PM મોદીની મૌન સાધનાનો મામલો ગરમાયો, ખર્ચની વસૂલી માટે તમિલનાડુ કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે
Image Social Media |
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધડાધડ રેલીઓ અને જનસભાઓને સંબોધી હતી. હવે જ્યારે સાતમા તબક્કાનું મતદાન પૂરું થવા આવ્યું ત્યારે તેઓ એકાએક બે દિવસ માટે મૌન સાધના એટલે કે મેડિટેશન માટે કન્યાકુમારી પહોંચી ગયા. અહીં તેમને 48 કલાક માટે મૌન સાધના શરૂ કરી હતી. જોકે તેમની આ સાધના સામે તમિલનાડુ કોંગ્રેસને વાંધો પડ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટમાં કરાઈ અપીલ
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા અને તેમની મૌન સાધનાના છેલ્લા દિવસે સૂર્યોદય વખતે સૂર્યને અર્ધ્ય આપ્યું હતું. ત્યારબાદ તમિલનાડુ કોંગ્રેસ કમિટીની વકીલોની ટીમના સભ્ય એ.પી.સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી દીધી.
કોંગ્રેસે શું કર્યો દાવો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી વિધિ સૂર્ય અર્ધ્ય કરી રહ્યા હતા. તે સમયે જ મદ્રાસ હાઈકોર્ટ પહોંચીને કોંગ્રેસે દાવો કર્યો હતો કે પીએમ મોદી વિવેકાનંદ રોકમાં તેમની મૌન સાધનાના માધ્યમનો વધુને વધુ પ્રચાર કરી રહ્યા છે. તેઓ આ સાધનાના માધ્યમથી ભાજપ માટે વોટ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
પીએમ મોદી પર લગાવ્યો પ્રચારનો આરોપ...
અરજીમાં દાવો કરાયો હતો કે 30 મેના રોજ વડાપ્રધાન મોદીએ આ મૌન સાધનાની શરૂઆત કરી હતી અને તેનું દેશભરમાં ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું. તેનાથી વિપક્ષી દળોને નુકસાન થઈ શકે છે અને આ પ્રકારનું બ્રોડકાસ્ટ આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ છે કેમ કે સાતમા તબક્કાનું મતદાન પણ આ દિવસોમાં જ થવાનું હતું. સૂર્યપ્રકાશમે દાવો કર્યો હતો કે એ ન ભૂલવું જોઈએ કે આ વડાપ્રધાન મોદીની પર્સનલ મુલાકાત છે અને રાજ્ય સરકાર દ્વારા સિક્યોરિટી પાછળ મોટો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. એટલા માટે અમે હાઈકોર્ટને આ મામલે દખલ કરવા અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ જેથી ભાજપના ફંડમાંથી તમિલનાડુ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખર્ચની વસૂલી થઈ શકે.