PM Modi US Visit : 'અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર', ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતા બોલ્યા પીએમ મોદી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
PM Modi US Visit : 'અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર', ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતા બોલ્યા પીએમ મોદી 1 - image


PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધન કર્યું. લોંગ આઇલેન્ડમાં આયોજિત 'મોદી એન્ડ અમેરિકા' નામના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.


PM Modi US Visit Updates :

ભારત હવે પાછળ નથી ચાલતું, પરંતુ નેતૃત્વ કરે છે : પીએમ મોદી

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં કહ્યું કે, 'અમે તમામ સેક્ટરને આગળ વધારવા માટે પોલિસી બનાવી. અમે સસ્તા ડેટા પર કામ કર્યું. આજે દુનિયાના તમામ મોટા મોબાઈલ બ્રાન્ડ મેડ ઇન ઇન્ડિયા છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા છે. એક જમાનો હતો, જ્યારે આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે આપણે મોબાઇલ નિકાસ કરીએ છીએ. આજે ભારત પાછળ નથી ચાલતું, આજે ભારત નેતૃત્વ કરે છે, નવી વ્યવસ્થા બનાવે છે. ભારતે ડિઝિટલ પલ્બિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્સેપ્ટ દુનિયાને આપ્યો. ભારતનો યૂપીઆઈ સમગ્ર દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. તમારા ખિસ્સામાં પાકિટ છે પરંતુ ભારતના લોકો પાસે ઈ-વોલેટ છે. ભારતના લોકો પાસે ડિજી લોકર છે. ભારત હવે અટકવાનો નથી.'

નિયતિએ મને રાજનીતિમાં પહોંચાડ્યો : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'મારા જીવનનો એક ભાગ એવો રહ્યો જેમાં અનેક વર્ષ સુધી દેશમાં ભટકતો રહ્યો. જ્યાં જમવા મળ્યું, ત્યાં જમ્યો, જ્યાં સૂવા મળ્યું ત્યા સૂતો. એ પણ એક સમય હતો જ્યારે મેં કંઈક નક્કી કર્યું હતું પરંતુ નિયતિએ મને રાજનીતિમાં પહોંચાડી દીધો. ક્યારે નહોતું વિચાર્યું કે એ દિવસ મુખ્યમંત્રી બનીશ, જ્યારે બન્યો તો સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી બની ગયો. 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યો, પછી લોકોએ પ્રમોશન આપીને પીએમ બનાવી દીધો. લોકોએ ખુબ ભરોસા સાથે મને ત્રીજી ટર્મ સોંપી છે. હું ત્રણ ગણા યોગદાન સાથે આગળ વધી રહ્યો છું, આજે ભારત દુનિયાના સૌથી યુવા દેશોમાંથી એક છે, ભારત એનર્જીથી ભરેલો છે. સપનાઓથી ભરેલો છે. રોજ નવા રેકોર્ડ અને સમાચાર મળે છે. આજે જ સારા સમાચાર મળ્યા કે ચેસ ઓલમ્પિયાડમાં મેન્સ અને વુમન્સમાં ભારતને ગોલ્ડ મળ્યો છે.'

ભારતના લોકો ક્વોલિટી લાઈફ ઈચ્છે છે : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં કરોડો લોકોને ભારતમાં વીજળી કનેક્શન મળ્યું છે, કરોડો ટોયલેટ મળ્યા છે, એવા કરોડો લોકોને હવે ક્વોલિટી લાઈફ મળી છે. હવે ભારતના લોકોને માત્ર રેલ કનેક્ટિવિટી નહીં, હાઈ સ્પીડ કનેક્ટિવિટી જોઈએ, ભારતના દરેક શહેરની અપેક્ષા છે કે અહીં મેટ્રો ચાલે, દેશના દરેક નાગરિક અને ગામ-શહેર ઈચ્છે છે કે તેમને ત્યાં સારી સુવિધા હોય. 2014માં ભારતના માત્ર 5 શહેરોમાં મેટ્રો હતી, આજે 23 શહેરોમાં મેટ્રો છે, આજે દુનિયાનો બીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ભારતમાં છે. 2014માં ભારતના 70 શહેરોમાં એરપોર્ટ હતા અને આજે 140થી વધુ શહેરોમાં એરપોર્ટ છે, 2014માં 100થી ઓછી ગ્રામ પંચાયતોમાં બ્રાન્ડ બેન્ડ કનેક્ટિવિટી હતી, આજે 2 લાખથી વધુ પંચાયતોમાં આ સુવિધા છે.'

એક તરફ યુદ્ધ અને બીજી તરફ લોકશાહીનો જશ્ન : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, '2024નું આ વર્ષ આખી દુનિયા માટે ખુબ મહત્વનું છે. એક તરફ દુનિયાના અનેક દેશો વચ્ચે સંઘર્ષ-તણાવ છે. તો બીજી તરફ કેટલાક દેશોમાં લોકશાહીનો જશ્ન ચાલી રહ્યો છે. ભારત અને અમેરિકા લોકશાહીના જશ્નમાં પણ એકસાથે છે. જ્યાં અમેરિકામાં ચૂંટણી થવાની છે અને ભારતમાં ચૂંટણી થઈ ચૂકી છે. ભારતમાં થયેલી ચૂંટણી હ્યુમન હિસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી હતી. તમે કલ્પના કરી શકો છો. અમેરિકાની કુલ વસ્તીથી પણ અંદાજિત 2 ગણા મતદાર, આખા યુરોપની કુલ વસ્તીથી વધુ મતદાર, આટલા બધા લોકોએ ભારતમાં પોતાનો મત આપ્યો. જ્યારે ભારતીય લોકશાહીનો સ્કેલ જોઈએ તો વધુ ગર્વ થાય છે. 3 મહિનાનો પોલિંગ પ્રોસેસ, 15 મિલિયન લોકોનો પોલિંગ સ્ટાફ, 1 બિલિયન પોલિંગ સ્ટેશન, 2500થી વધુ પોલિકિટકલ પાર્ટી, 8000થી વધુ ઉમેદવાર, અલગ અલગ ભાષાઓના ન્યૂઝપેપર, રેડિયો સ્ટેશન્સ, હજારો ટીવી ન્યૂઝ ચેનલ, લાખો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ચેનલ્સ આ બધા ભારતની લોકશાહીને વાયબ્રન્ટ બનાવે છે.'

આપણે ત્રીજી ટર્મમાં ત્રણ ગણી તાકાત અને ગતિથી આગળ વધવાનું છે : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'લાંબી પ્રોસેસમાંથી પસાર થઈને ભારતમાં કંઈક અભૂતપૂર્વ થયું છે. અબ કી બાર મોદી સરકાર. ત્રીજી વખત અમારી સરકારની વાપસી થઈ છે. આવું છેલ્લા 60 વર્ષમાં નહોતું બન્યું. ભારતની જનતાએ આ નવું મેન્ડેટ આપ્યું છે. તેના સંકેતો ખુબ છે અને મોટા પણ છે. ત્રીજી ટર્મમાં આપણે ખુબ મોટા લક્ષ્ય સાધવાના છે. આપણે ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ગતિથી આગળ વધવાનું છે. તમને એક શબ્દ યાદ રહેશે 'પુષ્પ'. P for Progressive ભારત, U for Unstoppable ભારત,  S for Spiritual ભારત, H for Humanity Firstને સમર્પિત ભારત અને P for Prosperous ભારત.'

કાલે બાઈડેન મને પોતાના ઘરે લઈ ગયા હતા : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું. તમામ લીડરના મોં થી ભારતીય ડાયસ્પોરાના વખાણ પણ સાંભળું છું. કાલે જ બાઈડેન મને ડેલાવેયરમાં પોતાના ઘરે લઈ ગયા હતા. તેમની આત્મિયતા, તેમની ગર્મજોશી મારા માટે હૃદયસ્પર્શી મોમેન્ટ રહી. આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે. આ સન્માન આપનું છે. આપની મહેનતનું છે. આ સન્માન અહીં રહેતા લાખો ભારતીયોનું છે. હું પ્રેસિડેન્ટ બાઈડેનનો આભાર વ્યક્ત કરીશ અને સાથે તમારો પણ આભાર વ્યક્ત કરીશ.'

USAની ટીમ શું ગજબ રમી છે... : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, હાલ કેટલાક સમય પહેલા જ તો અહીં 20T વર્લ્ડકપ થયો હતો. USAની ટીમ શું ગજબ રમી. તે ટીમમાં અહીં રહેતા ભારતીયોનું જે યોગદાન હતું એ પણ દુનિયાએ જોયું છે. દુનિયા માટે એક AIનો મતલબ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. AIનો મતલબ છે અમેરિકન-ઈન્ડિયન. અમેરિકા ઈન્ડિયા એ સ્પીરીટ છે. એજ તો નવી દુનિયાનો AI પાવર છે. એ જ AI સ્પીરીટ ભારત અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈ આપી રહ્યો છે. હું આપ સૌને સલામ કરું છું.

તમે અમેરિકાને ભારતથી અને ભારતને અમેરિકાથી કનેક્ટ કર્યું : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'તમે અમેરિકાને ભારતથી અને ભારતને અમેરિકાથી કનેક્ટ કર્યું છે. તમારી સ્કિલ, તમારું ટેલેન્ટ, તમારું કમિટમેન્ટ તેનો કોઈ મુકાબલો નથી. તમે સાત સમંદર પાર ભલે આવ્યા હો પરંતુ કોઈ સમંદર એટલો ઊંડો નથી કે જે દિલમાં બેઠેલા હિન્દુસ્તાનને તમારાથી દૂર કરી શકે. મા ભારતીએ જે આપણને શિખવ્યું છે, તે આપણે ક્યારેય ન ભૂલી શકીએ. આપણે જ્યાં પણ જઈએ છીએ. સૌને પરિવાર માનીને તેનાથી હળીમળી જઈએ છીએ. ડાયવર્સિટીને સમજવી, જીવવી અને જીવનમાં ઉતારવું તે આપણા સંસ્કારો અને રગોમાં છે. આપણે એ દેશના વાસીઓ છીએ. જ્યાં હજારો ભાષા અને બોલીઓ છે. દુનિયાના તમામ મત અને પંથ છે. તેમ છતા આપણે એક બનીને નેક બનીને આગળ વધી રહ્યા છીએ. કોઈ તમિલ, કોઈ તેલુગુ, કોઈ મલિયાલમ, કોઈ કન્નડા, કોઈ પંજાબી, કોઈ મરાઠી, કોઈ ગુજરાતી... ભાષા અનેક છે પરંતુ ભાવ એક છે. એ ભાવ છે... ભારત માતા કી જય... ભારતીયતા...' દુનિયા સાથે જોડાવા માટે એ આપણી સૌથી મોટી તાકાત છે. આ જ વેલ્યૂ આપણને વિશ્વબંધુ બનાવે છે. આપણે ત્યાં કહેવામાં આવે છે. તેન તક્તેન ભૂંજીથા. જે ત્યાગ કરે છે એજ ભોગ મેળવે છે. આપણે બીજાનું ભલું કરીને સુખ મેળવીએ છીએ. આપણે કોઈ પણ દેશમાં રહીએ આ ભાવના નથી બદલતી. આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં વધુમાં વધુ યોગદાન કરીએ છીએ. અહીં ડોક્ટર્સ તરીકે, રિસર્ચર્સ તરીકે, ટેક પ્રોફેશ્નલ્સ તરીકે, સાયન્ટીસ્ટ તરીકે, અનેક પ્રોફેશન્સમાં જે પરચમ લહેરાવ્યો છે. આ તેનું જ પ્રતિક છે.

ભારતીય સમુદાયને પીએમ મોદીએ 'રાષ્ટ્રદૂત' ગણાવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, 'હું મુખ્યમંત્રી બન્યો તો ટેક્નોલોજીના માધ્યમથી તમારી સાથે મુલાકાતનો સિલસિલો યથાવત્ રહ્યો. પીએમ રહેતા મેં તમારી પાસે અપાર સ્નેહ મેળવ્યો. 2014માં મેડિસન સ્ક્વેર, 2015 સોંગ હોસે, 2019માં હ્યુસ્ટન, 2023માં વોશિંગ્ટન, હવે 2024માં ન્યૂયોર્ક. અને આપ સૌ દર વખતે છેલ્લો રેકોર્ડ તોડી દો છો. મિત્રો હું હંમેશાથી આપના સામર્થ્યને સમજતો રહ્યો છું. જ્યારે મારી પાસે કોઈ સરકારી પદ નહોતું ત્યારે પણ સમજતો હતો અને આજે પણ સમજું છું. આપ સૌ મારા માટે હંમેશાથી ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. એટલા માટે હું આપ સૌને રાષ્ટ્રદૂત કહું છું.'

આપ સૌનો આ પ્રેમ મારું મોટું સૌભાગ્ય : પીએમ મોદી

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત ભારત માતા કી જયના નારા અને નમસ્તે US સાથે કરી. પીએમ મોદીએ કહ્યું કે, 'હવે આપણું નમસ્તે પણ મલ્ટિનેશનલ થઈ ગયું છે. લોકલથી ગ્લોબલ થઈ ગયું. આ બધું આપ સૌએ કર્યું છે. પોતાના દિલમાં ભારત બચાવીને રાખનારા દરેક ભારતીયએ આ કર્યું છે. આપ સૌ એટલા દૂરદૂર થઈ આવ્યા છો. કેટલાક જૂના અને કેટલા જૂના ચેહરા છે. આપ સૌનો આ પ્રેમ મારું ખુબ મોટું સૌભાગ્ય છે. મને એ દિવસ યાદ આવે છે, જ્યારે હું પીએમ પણ નહોતો, સીએમ પણ નહોતો, નેતા પણ નહોતો. તે સમયે એક જિજ્ઞાસુ તરીકે તમારી વચ્ચે આવ્યા કરતો હતો. આ ધરતીને જોવી, સમજવી, મનમાં અનેક સવાલો લઈને આવતો હતો. જ્યારે કોઈ પદ પર ન હતો. તે પહેલા પણ હું અમેરિકાના અંદાજિત 29 રાજ્યોમાં મુલાકાત લઈ ચૂક્યો હતો.'

પીએમ મોદી પહોંચ્યા 'મોદી એન્ડ અમેરિકા' કાર્યક્રમમાં

પીએમ મોદી નાસાઉ કોલિજિયમમાં મોદી એન્ડ અમેરિકા કાર્યક્રમમાં પહોંચ્યા છે. જ્યાં તેમણે ભારતીય સમુદાયનું અભિવાદન કર્યું છે.

PM Modi US Visit : 'અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર', ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતા બોલ્યા પીએમ મોદી 2 - image

પીએમ મોદીના સંબોધન પહેલા સિંગરનું પરફોર્મ, ખીચોખીચ લોકો ઉમટ્યા

પીએમ મોદી થોડીવારમાં સંબોધન કરવાના છે ત્યારે હાલ સિંગરે પરફોર્મ કર્યું. તો મોટી સંખ્યામાં લોકો નાસાઉ કોલિજિયમમાં પહોંચ્યા છે.

PM Modi US Visit : 'અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર', ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતા બોલ્યા પીએમ મોદી 3 - image

'સ્ટેજ તૈયાર છે', એસ. જયશંકરે પીએમ મોદીના સંબોધન પહેલા કરી પોસ્ટ

વિદેશ મંત્રી એસ. જયશંકરે નાસાઉ કોલિજિયમથી એક વીડિયો શેર કરતા X પર લખ્યું કે, 'પીએમ મોદીના સંબોધન માટે સ્ટેજ તૈયાર છે.'


આ કાર્યક્રમ પહેલાં નાસાઉ કોલિઝિયમમાં ઘણી એક્ટિવિટી  જોવા મળી હતી. અહીં વિવિધ ભાષામાં 'વેલકમ મોદી' પોસ્ટરો લઈને ભારતીય સમુદાયના લોકો એકઠા થયા હતા. કલાકારોએ સ્થળ પર વિવિધ પરંપરાગત ભારતીય નૃત્ય શૈલીઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન 500 થી વધુ કલાકારો પરફોર્મ કરી. 


Google NewsGoogle News