Get The App

પીએમ મોદીનો 'રોજગાર મેળો' : 75 હજારની નિમણૂક, 10 લાખનું લક્ષ્ય

Updated: Oct 22nd, 2022


Google NewsGoogle News
પીએમ મોદીનો 'રોજગાર મેળો' : 75 હજારની નિમણૂક, 10 લાખનું લક્ષ્ય 1 - image


- લોકસભા ચૂંટણી પહેલાં 38 મંત્રાલયો ભરતી માટે કામે લાગ્યા

- આઠ વર્ષમાં સરકારી કાર્ય સંસ્કૃતિ બદલાઈ, આર્થિક સુધારાના કારણે ભારત દુનિયામાં 10માંથી પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર બન્યું

- મધ્ય પ્રદેશમાં 4.5 લાખ ગરીબોને નવા આવાસની ભેટ : પીએમ મોદીએ રેવડી કલ્ચરની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : હિન્દુઓના સૌથી મોટા દિવાળીના તહેવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ધનતેરસના પ્રસંગે રોજગાર મેળાનો શુભારંભ કર્યો અને પહેલા જ દિવસે ૭૫,૦૦૦ લોકોને નિમણૂક પત્ર આપ્યો હતો. આ રોજગાર મેળા મારફત સરકારનું લક્ષ્ય આગામી ૧.૫ વર્ષમાં દેશભરમાં વિવિધ સરકારી વિભાગોમાં ૧૦ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું છે. આ રોજગાર મેળા હેઠળ એસએસસી, યુપીએસસી, રેલવે જેવા વિવિધ સરકારી વિભાગો તબક્કાવાર આ ભરતીઓ પૂરી કરશે.

વડાપ્રધાન મોદીએ શનિવારે ધનતેરસના દિવસે રોજગાર મેળાનો શુભારંભ કરતાં કહ્યું કે, ભાજપ અને એનડીએ શાસનવાળા રાજ્યોની સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ પ્રકારના રોજગાર મેળા યોજાશે. અહીં હજારો લોકોને આગામી કેટલાક દિવસોમાં જ નિમણૂક પત્ર અપાશે. દેશમાં બેરોજગારી વિક્રમી સ્તરે પહોંચી છે અને વિપક્ષ સતત આ મુદ્દે ભાજપ સરકારને ઘેરતી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેની ભારત જોડો યાત્રાના ત્રણ મહત્વના મુદ્દામાં બેરોજગારીનો સમાવેશ કર્યો છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષ પાસેથી બેરોજગારીનો મુદ્દો છીનવાઈ જવાની આશંકા છે. આગામી દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોને નોકરી આપવાનું વડાપ્રધાન મોદીનું લક્ષ્ય પૂરું કરવા ૩૮ મંત્રાલયો કામે લાગી ગયા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા ૭૫ હજાર યુવાનોને નિમણૂક પત્ર આપતા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ૧૦ વર્ષ પહેલાંની સ્થિતિની ચર્ચા કરી હતી અને કહ્યું કે આજે સરકારી તંત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કાર્ય સંસ્કૃતિ બદલાઈ રહી છે. તેમણે સ્કિલ ઈન્ડિયા અભિયાન હેઠળ એક કરોડથી વધુ યુવાનોને કુશળ પ્રોફેશનલ બનાવાયાની માહિતી આપી અને સ્વસહાયતા જૂથ, રોજગાર આપવામાં ખાદીની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે આપણે આત્મનિર્ભર ભારતના માર્ગે આગળ વધવું જ પડશે. તેમાં આપણા ઈનોવેટર્સ, આંત્રપ્રિન્યોર્સ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા સાથીઓની મોટી ભૂમિકા છે. આજે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. આઠ વર્ષના ટૂંકા સમયમાં ભારતે ૧૦મા ક્રમેથી પાંચમા ક્રમ સુધીની છલાંગ લગાવી છે. આ એટલા માટે શક્ય થઈ શક્યું, કારણ કે છેલ્લા આઠ વર્ષમાં અમે દેશના અર્થતંત્રના વિકાસમાં અવરોધો ઊભા કરતી ખામી દૂર કરી છે.

વડાપ્રધાને કહ્યું કે, 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ દેશના યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાતની દૃષ્ટિએ તાલિમ આપવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. તેના હેઠળ સવા કરોડથી વધુ યુવાનોને સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી તાલિમ અપાઈ છે. તેમણે ઉમેર્યું કે, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાને યુવાનોનું સામર્થ્ય આખી દુનિયામાં સ્થાપિત કર્યું છે. ૨૦૧૪ સુધીમાં દેશમાં કેટલાક જ સ્ટાર્ટઅપ હતા ત્યાં આજે આ સંખ્યા ૮૦ હજારે પહોંચી ગઈ છે. વડાપ્રધાન મોદીએ બધા જ મંત્રાલયો અને વિભાગોએ તેમના મંજૂર પદો સામે ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરવા અને ૧.૫ વર્ષમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવા માટે નિર્દેશો આપ્યા હતા.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના દિવસે મધ્ય પ્રદેશના ૪.૫ લાખ પરિવારોને પીએમ આવાસ યોજના હેઠળ નવા ઘરમાં વર્ચ્યુઅલ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાને ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આ તહેવાર ૪.૫ લાખ ગરીબ પરિવારો માટે નવી સવાર લાવ્યું છે. પહેલાં ધનતેરસ માત્ર તેમના માટે હતી, જેમની પાસે રૂપિયા હતા. આજે મધ્ય પ્રદેશના ગરીબો પણ ધનતેરસે ગૃહપ્રવેશ કરી રહ્યા છે અને તેમના સપનાં પૂરા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજિક-આર્થિક પરિવર્તન લાવવાનું મુખ્ય માધ્યમ બની ગઈ છે.


Google NewsGoogle News