જો અમારા નાગરિકે કંઈ પણ ખોટું કર્યું છે તો....: આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
Image Source: Twitter
- વિદેશોમાં છુપાયેલા કેટલાક ચરમપંથી સમૂહો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ડરાવવવાનું-ધમકાવવાનું અને હિંસા ભડકાવાનું કામ કરી રહ્યા છે: PM મોદી
નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર
અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. જો અમારા નાગરિકોમાંથી કોઈએ પણ કંઈ સાચું કે ખોટું કર્યું છે તો અમે તેની તપાસ કરવા માટે તૈયાર છીએ. અમારી પ્રતિબદ્ધતા કાયદાના શાસન પ્રત્યે છે.
અમેરિકાએ તાજેતરમાં જ નિખિલ ગુપ્તા પર અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
PM મોદીએ શું કહ્યું?
એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે, વિદેશોમાં છુપાયેલા કેટલાક ચરમપંથી સમૂહો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ડરાવવું-ધમકાવવું અને હિંસા ભડકાવાનું કામ કરી રહ્યા છે.
તાજેતરમાં જ અમેરિકી ન્યાય વિભાગે કહ્યું હતું કે, 52 વર્ષનો એક ભારતીય નાગરિક જે ભારત સરકારનો કર્મચારી પણ છે. તેમણે ઉત્તરી ભારતમાં એક અલગ શીખ રાષ્ટ્રની વકાલાત કરનારા ન્યૂયોર્ક શહેરના નિવાસી પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ બંને દેશો વચ્ચેની ભાગીદારીનો મુખ્ય ઘટક રહ્યો છે. મને નથી લાગતું કે, કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે. આપણે એ તથ્યને સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું હોવાની સાથે-સાથે એકબીજા પર નિર્ભર પણ છે. આ વાસ્તવિકતા જ આપણને મજબૂર કરે છે કે, એકબીજા પ્રત્યે સહયોગ માટે તમામ મામલે સંપૂર્ણ સંમતિ ન બની શકે.