PM મોદીએ સ્વતંત્ર પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન: પત્ર લખી હમાસ-ઈઝરાયલ યુદ્ધનો ઉકેલ લાવવા અપીલ
PM Modi's Letter for Palestine People: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ડે ઓફ સોલિડરિટી વીથ પેલેસ્ટાઈન પીપલની ઉજવણીના ભાગરૂપે પેલેસ્ટાઈનના લોકોના વિકાસ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કરતો સંદેશ પાઠવ્યો હતો. તદુપરાંત તેમણે પેલેસ્ટાઈનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સુરક્ષા અને માનવતાવાદી સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરતાં તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત લાવવાની પણ માંગ કરી હતી.
આ અવસર પર વડાપ્રધાન તરફથી પેલેસ્ટિનિયન લોકોને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો ઉલ્લેખ અને તેનો અંત લાવવા અપીલ કરાઈ છે. નવી દિલ્હીમાં પેલેસ્ટિનિયન એમ્બેસીએ પીએમ મોદીના આ નિવેદનનો સ્વીકાર કરતાં આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ CMના ચહેરાની મથામણ વચ્ચે મહાયુતિએ શપથગ્રહણની તારીખ જાહેર કરી, જાણો ક્યાં થશે કાર્યક્રમ!
હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં હજારોના મોત
પેલેસ્ટાઈનમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં હજારો લોકોના મોત થયા છે. આનાથી સમગ્ર વિશ્વને ઘણા પ્રકારનું નુકસાન થયું છે. આ મુદ્દે વડાપ્રધાને લખ્યું કે, ભારત વર્તમાન સુરક્ષા અને માનવીય સ્થિતિ અંગે અત્યંત ચિંતિત છે. ભારતને વિશ્વાસ છે કે, વાતચીત અને રાજદ્વારી માધ્યમો શાંતિપૂર્ણ સમાધાનની ચાવી છે. અમે વાતચીત દ્વારા બંને દેશોને સમાધાન લાવવા સમર્થન આપીએ છીએ. જેથી કરીને એક સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થઈ શકે અને ઈઝરાયલ સાથે શાંતિથી રહી શકે.
ભારત 'મજબૂત વિકાસ ભાગીદાર' તરીકે સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારત આ પ્રવાસમાં પેલેસ્ટાઈનના લોકોની સાથે રહેશે, જેમાં તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓના આધારે વિવિધ ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સની કામગીરી ચાલુ રાખવાની ખાતરી પણ દર્શાવાઈ છે.
પેલેન્સ્ટાઈને આપી પ્રતિક્રિયા
પીએમ મોદીના આ પત્ર પર નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના ઈન્ચાર્જ અબેદ અલરાજેઝ અબુ જાઝરે પણ પ્રતિક્રિયા આપી હતી કે, અમે ભારતના વડા પ્રધાનના સંદેશને આવકારીએ છીએ અને તેમની પ્રશંસા કરીએ છીએ. આ સંદેશમાં મહત્વની બાબતો હતી. જેમાં રાજદ્વારી અને રાજનૈતિક માધ્યમો દ્વારા સક્ષમ પેલેસ્ટિનિયન રાજ્ય અને દ્વિ-રાજ્ય સમાધાન માટે ભારતના સમર્થનની ખાતરી આપવામાં આવી હતી. પેલેસ્ટાઈન આ મુદ્દે ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યુ છે.