'આપણા સંબંધોને દાયકો પૂરો..' લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદીનો દેશના નામે પત્ર
ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે
Lok sabha Election 2024 | લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી એપ્રિલના મધ્યથી શરૂ થઈ શકે છે અને મેના અંત સુધી અનેક તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.
વડાપ્રધાન મોદીએ દેશના નામે લખ્યો ખુલ્લો પત્ર
ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પત્ર દ્વારા દેશને સંદેશ આપ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, "આપણા સંબંધોને એક દાયકા પૂર્ણ થયો. મને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે. અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે."
પત્રમાં 140 કરોડ ભારતીયોને સંબોધ્યાં
પત્રની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, "મારા પ્રિય પરિવારના સભ્યો, તમે અને હું સાથે મળીને એક દાયકા પૂર્ણ કરવાની અણીએ છીએ. 140 કરોડ ભારતીયોનો વિશ્વાસ અને સમર્થન મને પ્રેરણા આપે છે. લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી સિદ્ધિ છે. આ પરિવર્તનકારી પરિણામો ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલા નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છે."
સરકારની સિદ્ધીઓ વર્ણવી...
તેમણે આગળ લખ્યું, "પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકાં ઘરો, બધા માટે વીજળી, પાણી અને એલપીજીની સુલભતા, આયુષ્માન ભારત દ્વારા મફત તબીબી સારવાર, ખેડૂતોને આર્થિક સહાય, માતૃ વંદના યોજના દ્વારા મહિલાઓને સહાય અને બીજા ઘણા બધા કાર્યો. આ જ અમારી સફળતા છે અને આ બધું તમે મારામાં મૂકેલા વિશ્વાસને કારણે જ શક્ય થયું છે."