વડાપ્રધાન મોદી 26 જૂને મૂકશે સ્પીકરના નામનો પ્રસ્તાવ, 27 જૂને રાષ્ટ્રપતિનું અભિભાષણ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
PM Narendra Modi And President Droupadi Murmu


Parliament Special Session : દેશમાં ભાજપે એનડીએના સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે આઠ દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે.

રાષ્ટ્રપતિ નવા સાંસદોને શપથ લેવડાવશે

મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) 27 જૂને અભિભાષણ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના જોઈન્ટ સત્રને સંબોધીત કરશે. 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા સાંસદોને શપથ લેવડાવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કર્યા બાદ આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજુ કરશે.

નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે

લોકસભા ચૂંટણી-2024માં ઈન્ડિ ગઠબંધને (I.N.D.I.A. Alliance) 235 બેઠકો જીતી છે, જેના કારણે નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે. આ ઉપરાંત વિપક્ષ ઉપાધ્યક્ષ પદની ચૂંટણીની પણ આશા રાખી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ પદ ખાલી છે. 17મી લોકસભામાં ઉપાધ્યક્ષ પદ પાંચ વર્ષથી ખાલી છે. ગૃહમાં કોઈ વિપક્ષી નેતા ન હોવાનું બીજી વખત બન્યું છે. સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવે છે.

ભાજપ લોકસભા અધ્યક્ષ પદ પોતાની પાસે રાખશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ના નિવાસસ્થાને સંસદ સત્ર મુદ્દે રવિવારે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, જેડીયૂ નેતા લલન સિંહ, ચિરાગ પાસવાન ઉપસ્થિત હતા. બેઠકમાં સંસદ સત્ર અને અધ્યક્ષ પદ માટે NDAના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ (BJP) લોકસભા અધ્યક્ષ પદ પોતાની પાસે રાખશે અને નાયબ અધ્યક્ષ પદ એનડીએના સાથી પક્ષને આપશે. પાર્ટી હાઈકમાન્ડે રાજનાથ સિંહને એનડીએ સહયોગી અને વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરીને સર્વસંમતિ બનાવવાની જવાબદારી સોંપી છે.


Google NewsGoogle News