મહારાષ્ટ્રમાં 170 કરોડના ખર્ચે બન્યું ઈસ્કોન મંદિર, વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન
PM Modi Will Inaugurate Iskcon Temple In Maharashtra: નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી મહિને 15 તારીખે આ મંદિરનું ઉદઘાટન થશે. મંદિરનું નામ રાધા મદનમોહનજી મંદિર રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મંદિરના નિર્માણમાં 170 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ સુરદાસ પ્રભુએ કહ્યું કે, આ મંદિર આધુનિક સમયમાં એક મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનશે.
વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કલ્ચરલ સેન્ટર અને વૈદિક સંગ્રહાલયનો પણ શિલાન્યાસ કરશે. તેમાં ભારતની મહાન સંસ્કૃતિની છબી જોવા મળશે. તેમણે કહ્યું કે નિર્માણ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર જોવા આવી ચૂક્યા છે. તેઓ 12 ઓક્ટોબરના રોજ નવી મુંબઈની મુલાકાત દરમિયાન આ મંદિરનું કામકાજ જોવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવી મુંબઈની હરિયાળી વચ્ચે આ મંદિર ખૂબ જ ભવ્ય નજર આવે છે. મંદિરના ઉદઘાટન નો કાર્યક્રમ 9 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે. ત્યારબાદ આ કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે. 15 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે.
મકર સંક્રાંતિના અવસર પર મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે
મંદિરની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના અવસર પર મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ મંદિરમાં ભક્તિવેદાંત કોલેજ ઓફ વૈદિક એજ્યુકેશન, એક લાઈબ્રેરી, આયુર્વેદિક હીલિંગ સેન્ટર, ગૌશાળા, વરિષ્ઠ નાગરિકો માટે આશ્રમ, જૈવિક ખેતી પણ હશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર પણ સામેલ થઈ શકે છે.
એક સપ્તાહના કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક સેમિનાર, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ મંદિરમાં દશાવતારની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.