પીએમ મોદી આજે અયોધ્યા એરપોર્ટ, રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
- પીએમ મોદી બે અમૃત ભારત ટ્રેન અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
- વડાપ્રધાન અયોધ્યામાં 11 હજાર કરોડ અને અન્ય શહેરોમાં 4600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
- અયોધ્યા મંદિર માટે મુખ્ય ઘંટ રામેશ્વરમમાં બનાવાયો, જેનું વજન 600 કિલો છે
અયોધ્યા : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના ત્રણ સપ્તાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત કરશે. આ સમયે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંક્શન રેલ્વે સ્ટેશન સહિત રૂ. ૧૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ સાથે વડાપ્રધાન બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વધુમાં પીએમ મોદી અયોધ્યામાં ચાર નવા માર્ગોનું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અયોધ્યામાં એક ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે હનુમાનગઢીમાં પૂજા અર્ચના કર્યા હતા. પીએમ મોદી શનિવારે સવારે ૧૧.૧૫ કલાકે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને નવી અમૃત ભારત ટ્રેનો તથા વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યાર પછી પીએમ મોદી બપોરે ૧૨.૧૫ વાગ્યે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી એરપોર્ટની બાજુમાં એક જાહેર સભામાં ભાગ લેશે અને રાજ્યમાં રૂ. ૧૫,૭૦૦ કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં અયોધ્યા અને તેની આજુબાજુના વિસ્તારો માટે રૂ. ૧૧,૧૦૦ કરોડના પ્રોજેક્ટ અને ઉત્તર પ્રદેશના અન્ય શહેરો માટે રૂ. ૪,૬૦૦ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસથી શહેરમાં ગાઢ ધુમ્મસ હોવા છતાં પીએમ મોદીના આગમન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી સવારે ૧૦.૪૫ વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી એરપોર્ટથી સ્ટેશન સુધીના માર્ગ પર રોડ શો કરશે. પીએમ મોદીની રેલીમાં અંદાજે ૧.૫ લાખ લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.અયોધ્યામાં નવું રેલવે સ્ટેશન ભગવાન રામના 'ધનુષ્ય અને બાણ' આકારમાં છે તથા તેનું 'શિખર' સ્ટાઈલનું ડોમ સ્ટેશનને મંદિર જેવી પ્રતિકૃતિ આપે છે.
દરમિયાન રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિરના પ્રથમ ભાગનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે. ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. રામ મંદિરમાં લાગનારા મુખ્ય ઘંટને તમિલનાડુના રામેશ્વરમમાં તૈયાર કરાયો છે. આ ઘંટનું વજન લગભગ ૬૦૦ કિલોથી વધુ છે. હાલ આ ઘંટને અયોધ્યાની કાર્યશાળામાં લોકોના દર્શન માટે મૂકાયો છે.