G-7 શિખર સંમેલનમાં શામેલ થવા માટે આ દિવસે ઈટાલી જશે PM મોદી, વડાપ્રધાન મેલોની સાથે કરશે મુલાકાત
Image Source: Twitter
PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા કાર્યકાળનો કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ઈટાલીની કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ આજે જણાવ્યું કે, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 50માં G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુરૂવારે ઈટાલીના અપુલિયા જશે.
ઈટાલીના અપુલિયા થશે શિખર સંમેલનનું આયોજન
50મી G-7 શિખર સંમેલન આ વખતે ઈટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં 13 થી 15 જૂન સુધી યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
જ્યોર્જિયા મેલોની સાથે કરી શકે છે મુલાકાત
તેમણે આગળ કહ્યું કે, ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. બેઠકમાં બંને વડાપ્રધાન દ્વારા દ્વિપક્ષીય સબંધોના સંપૂર્ણ પાસાઓની સમીક્ષા અને આગળના પગલા માટે નિર્દેશ આપવાની આશા છે.
સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે G-7
આ બેઠકમાં યુક્રેનમાં યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં રહે તેવી શક્યતા છે. G-7 એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાન સામેલ છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામેલ છે.