PM મોદી ઓબીસી નહીં જનરલ કેટેગરીમાં જન્મ્યા છે, ભાજપ જુઠ્ઠું બોલે છે : રાહુલ ગાંધીનો આરોપ
ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ કહ્યું કે કરોડોના સૂટ પહેરે છે પીએમ મોદી અને પછી પોતાને ઓબીસી ગણાવે છે
image : Twitter |
Congress Leader Rahul Gandhi Attack on PM Modi for OBC Cast Claim| કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીની જાતિને લઈને તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ઓબીસી (OBC) જાતિમાં જન્મ્યાં નહોતાં પરંતુ એ તો જનરલ કેટેગરી (સામાન્ય જાતિ) માં પેદા થયા હતા પરંતુ ભાજપવાળા એમ બોલીને લોકોને મૂર્ખ બનાવે છે કે વડાપ્રધાન OBC કેટેગરીમાં જન્મ્યાં હતાં.
લોકોને મૂર્ખ બનાવે છે ભાજપવાળા
રાહુલ ગાંધીએ કહ્યું કે એ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે કે મોદી OBC તરીકે જન્મ્યાં હતા. એ તો તેલી સમાજથી આવે છે. ભાજપે 2000માં તેમની જાતિને OBC બનાવી હતી. એટલે કે મોદી OBCમાં નથી જન્મ્યાં તે જનરલ કેટેગરીમાં જન્મ્યાં હતા. તે દુનિયાને જુઠ્ઠું બોલે છે કે તે ઓબીસીમાં જન્મ્યાં હતાં.
રોજ નવા ડ્રેસ પહેરે છે મોદી
રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખબર છે કે તે ઓબીસી નથી કેમ કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે જાતિ આધારિત વસતી ગણતરી પણ નહીં કરાવે કેમ કે તે ઓબીસી છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર ગણાવે છે. સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ અને રોજ નવા નવા ડ્રેસ પહેરે છે અને પછી પોતાને ઓબીસી ગણાવે છે.
ફક્ત અદાણીનો હાથ પકડે છે
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે મને જન્મ પ્રમાણપત્રની જરૂર નથી. હું જાણું છું કેમ કે તે ઓબીસીને ગળે નથી લગાવતા. તે કોઈ ખેડૂત અને મજૂરનો હાથ નથી પકડતાં. તે ફક્ત અદાણીનો હાથ પકડે છે. એટલા માટે આખા જીવન દરમિયાન તે જાતિ આધારિત સરવે નહીં કરવા દે. જાતિ આધારિત વસતી ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરી બતાવશે.