ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર ગાયકોના ભજન શેર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાને રામમય બનાવી દીધું છે. ત્યારે તેમણે આજે વધુ એક ભજન સોશિયલ મીડિયામાં શેર કર્યું છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું ભજન
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓસમાણ મીરનું ભજન 'શ્રી રામજી પધારે' શેર કરતા લખ્યું છે કે ‘અયોધ્યા નગરીમાં રામજી ના સ્વાગતમાં ચારેય બાજુ ઉમંગ અને ઉલ્લાસ છે. ત્યારે ઉસ્માન મીરજીનું આ મધુર રામ ભજન સાંભળીને તમને પણ દિવ્ય અનુભૂતિ થશે.’
ઓસ્માન મીર જાણીતા ગુજરાતી લોકગાયક
ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોકગાયક છે. ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા. તેમણે નાની ઉંમરથી જ સંગીતની તાલીમ લીધી હતી. ઓસમાણ મીર સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા-રામલીલાની શીર્ષક ગીત મોર બની થનગાટ કરે દ્વારા ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના ભજનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે ‘અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. દેશભરમાં રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમના સ્વાગત માટે ગીતાબેન રબારીનું આ ભજન ખૂબ જ ભાવુક કરનારું છે.’