ડિજિટલ એરેસ્ટ મુદ્દે લોકોને સાવચેત રહેવાની વડાપ્રધાન મોદીની અપીલ, જાણો શું સલાહ આપી
Digital Arrest: દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં દેશવાસીઓને ડિજિટલ ફ્રોડથી સાવધાન રહેવા સલાહ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'ડિજિટલ અરેસ્ટ' છેતરપિંડી વિશે ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઈ પણ સરકારી એજન્સી ફોન પર ધમકી આપીને પૈસા માંગતી નથી. તેમણે કહ્યું કે આ પ્રકારની છેતરપિંડી સાથે સંકળાયેલા લોકો પોલીસ, સીબીઆઈ, આરબીઆઈ અથવા નાર્કોટિક્સ ઓફિસર હોવાનો દેખાડો કરી લોકોને ડરાવી-ધમકાવી લૂંટી રહ્યા છે.
'મન કી બાત'ના 115માં એપિસોડમાં વડાપ્રધાન મોદીએ 'ડિજિટલ અરેસ્ટ' ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે વિગતવાર માહિતી આપી સમજાવ્યું હતું કે, છેતરપિંડી કરનારાઓનું પહેલું પગલું તમારી અંગત માહિતી એકત્રિત કરવાનું છે. બીજું પગલું ભયનો માહોલ ઊભો કરવાનો છે અને ત્રીજું સમયનું દબાણ. લોકો એટલા ડરી જાય છે કે તેઓ વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. તમામ વયજૂથના લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને છે અને સમાજના તમામ વર્ગના ઘણા લોકો તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવે છે.
શું છે ડિજિટલ અરેસ્ટ?
ડિજિટલ અરેસ્ટમાં ગુનેગાર પોતે પોલીસ, સીબીઆઈ, આરબીઆઈ કે નાર્કોટિક્સ ઓફિસર જેવા ઉચ્ચ પદના અધિકારી હોવાનો ડોળ કરે છે. અને પીડિતને ફોન કરી તેને ખોટા કેસમાં સંડોવણી હોવાનો આરોપ મૂકે છે. જેથી પીડિત ડરી જાય છે. બાદમાં તેને વધુ ડરાવવા વીડિયો કોલ કરી આઈડી રજૂ કરવા દબાણ કરે છે. પોતે નકલી આઈડી મારફત અધિકારી હોવાનો દાવો કરી ધરપકડ અને સજા કરવાનો દાવો કરે છે. જેથી પીડિત ભયભીત થઈ જાય છે. અંતે ગુનેગાર તેને કેસની પતાવટ માટે અમુક રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા કહે છે. જેમાં ભરમાઈને લોકો પોતાના લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ટિકિટ ફાળવણીમાં વિવાદ વચ્ચે શરદ પવારે ત્રીજી યાદી જાહેર કરી, સ્વરા ભાસ્કરના પતિને આપી ટિકિટ
સાવચેત રહો, ફોન કોલ્સ રેકોર્ડ કરો
વડાપ્રધાન મોદીએ નાગરિકોને વિનંતી કરી કે જો કોઈને આ પ્રકારનો ફોન આવે તો ગભરાશો નહીં. આવા કેસોમાં ડિજિટલ સુરક્ષાના ત્રણ પગલાં છે - રોકો, વિચારો અને પ્રતિક્રિયા આપો. જો શક્ય હોય તો, સ્ક્રીનશોટ લો અને રેકોર્ડિંગ કરો. કોઈ સરકારી એજન્સી ફોન પર આવી ધમકીઓ આપતી નથી અથવા પૈસાની માંગણી કરતી નથી.
સાયબર હેલ્પલાઈન પર ફોન કરો
વડાપ્રધાને લોકોને આવી છેતરપિંડી રોકવા માટે નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરવા જણાવ્યું છે અને પોલીસમાં રિપોર્ટ નોંધાવવાની સલાહ આપી છે. આવા મામલા નોંધી પોલીસ અને સાયબર સુરક્ષા એજન્સીઓને જાણ કરવી જોઈએ.
ડિજિટલ ફ્રોડમાં સતત વધારો
તાજેતરના મહિનાઓમાં ભારતમાં 'ડિજિટલ અરેસ્ટ'ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા મહિને, સાયબર ગુનેગારોએ વર્ધમાન ગ્રૂપના ચેરમેન એસપી ઓસવાલ સાથે 'ડિજિટલ કસ્ટડી'માં લઈને રૂ. 7 કરોડની છેતરપિંડી કરી હતી. ગુનેગારોએ, સીબીઆઈ અધિકારીઓ તરીકે, તેને બે દિવસ સુધી સ્કાયપે દ્વારા 'ડિજિટલ સર્વેલન્સ' હેઠળ રાખ્યો અને તેના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો.