કોઈનો ફોન આવે તો પહેલા કન્ફર્મ કરજો...: NDAની બેઠકમાં મોદીએ સાંસદોને કેમ કરી ટકોર?
આજે દિલ્હીમાં NDAની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે NDA ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ચૂંટાયા હતા. NDAનાં સાથી પક્ષોનાં વડાઓએ આ પ્રસંગે સંબોધન પણ કર્યું હતું અને વડાપ્રધાન મોદીને ટેકો પણ જાહેર કર્યો હતો.
PM મોદીએ પણ તમામ સાથીપક્ષોનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધન કરતાં કહ્યું હતું, કે ' જે સાથીઓ જીતીને આવ્યા તે સૌ અભિનંદનના અધિકારી છે. મારા માટે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહે મારુ સ્વાગત કર્યું. લાખો કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી છે. આટલી ગરમીમાં પરિશ્રમ કર્યો છે. આજે હું આ સદનથી તેમને પ્રણામ કરું છું.
પોતાનાં વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં હું જોઈ છું કે કેટલાક ન્યૂઝમાં એકપણ સચ્ચાઈ નથી દેખાતી. આ લોકો ગપગોળા ચલાવે છે પણ તેઓ જાણકારી લાવે છે ક્યાંથી? અમુક લોકો તો કહેશે કે મારો બહુ મોટો સંપર્ક છે, મંત્રીપદ મળી જશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારી સહી સાથે મંત્રીપદનું લિસ્ટ પણ આવી જશે. પણ આ બધા પ્રયાસ નિરર્થક છે. કોઈનો ફોન આવે તો દસ વખત વેરીફાય કરજો. આવી ગપબાજી કરવાવાળી એક ફૌજ છે. આ ષડયંત્રોનો શિકાર ન બનતા. અફવાઓથી દૂર રહેજો. અહીં જે ટીમ છે એ અનુભવી છે અને મને પણ સાચી સલાહ આપનારી છે. બ્રેકિંગ ન્યૂઝનાં આધારે દેશ નહીં ચાલે આ માનીને ચાલજો.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું, કે 'કોંગ્રેસ 10 વર્ષ બાદ પણ 100 બેઠકોના આંકડાને પાર કરી શકી નથી. 2014, 2019, 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતેલી બેઠકો ભેગી કરી નાંખો તેનાથી પણ વધારે બેઠકો ભાજપને મળી છે.
હવેનાં 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખીશું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું, કે ' અમે આગામી 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ, વિકાસ, સામાન્ય માનવીના જીવનમાં સરકારની જેટલી ઓછી દખલ હોય એ રીતે કામ કરવા માટે પ્રયાસ કરીશું. આ જ લોકતંત્રની મજબૂતાઈ છે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. અમે સૌ સાથે મળીને વિકસિત ભારતના સપનાને સાકાર કરીશું.'