થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
PM Modi visit to Bimstec Summit in Bangkok: 28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર મંડલેથી 16 કિલોમીટર દૂર હતું. થોડીવાર પછી 6.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો. આ આંચકાએ માત્ર મ્યાનમાર જ નહીં પરંતુ પડોશી દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકોકને પણ હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બેંગકોક 3-4 એપ્રિલે 6ઠ્ઠી BIMSTEC સમિટની તૈયારી કરી રહ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે.
પીએમ મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જશે
વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે શુક્રવારે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જશે. પીએમ મોદી 3 થી 4 એપ્રિલ સુધી થાઈલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વડાપ્રધાનની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.'
પીએમ મોદી કરશે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન મોદી થાઈલેન્ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. થાઈલેન્ડના વડાપ્રધાન સાથે આ તેમની બીજી મુલાકાત હશે. આ પહેલા તેઓ ગયા વર્ષે 11 ઑક્ટોબરના રોજ આસિયાન સમિટ દરમિયાન તેમને મળ્યા હતા.
જયદીપ મજમુદારે કહ્યું કે, 'ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય સંબંધો, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે. થાઈલેન્ડ ભારતનો દરિયાઈ પડોશી છે. અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક માટેના વિઝનમાં મુખ્ય ભાગીદાર છે અને BIMSTECમાં પણ મુખ્ય ભાગીદાર છે.'
BIMSTEC કોન્ફરન્સનું મહત્ત્વ
4 એપ્રિલના રોજ બેંગકોકમાં યોજાનારી સમિટ, 2018માં નેપાળના કાઠમંડુમાં આયોજિત ચોથી સમિટ પછી BIMSTEC નેતાઓની પ્રથમ સામ-સામે બેઠક હશે. 5મી કોન્ફરન્સ વર્ચ્યુઅલ રીતે કોલંબો, શ્રીલંકામાં માર્ચ 2022માં યોજાઈ હતી. જયારે હવે છઠ્ઠી કોન્ફરન્સ યોજાઈ રહી છે જેની થીમ ‘BIMSTEC, રિસિયન્ટ અને ઓપન’ રહેશે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ 'ઓપરેશન', એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દરમિયાન ક્ષેત્રીય સહયોગ વધારવા પર ચર્ચા થશે. ભારત BIMSTECમાં સુરક્ષા, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી અને માનવ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પહેલ કરી રહ્યું છે. પરંતુ ભૂકંપ બાદ બેંગકોકમાં જે સ્થિતિ છે તે કોન્ફરન્સની તૈયારીઓ પર સવાલો ઉભા કરી રહી છે.
પીએમ મોદી 4 એપ્રિલે જશે શ્રીલંકા
થાઈલેન્ડની મુલાકાત બાદ પીએમ મોદી શ્રીલંકા જશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, 'બેંગકોકમાં BIMSTEC સમિટ બાદ વડાપ્રધાન મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાની સરકારી મુલાકાતે જશે.'
રાષ્ટ્રપતિ ડિસનાયકે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ડિસેમ્બર 2024 માં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને હવે વડા પ્રધાન મોદી શ્રીલંકાની મુલાકાત લઈ રહ્યા છે.