Get The App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ રદ! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ રદ! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ 1 - image


PM Modi Visit Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે (29 જાન્યુઆરી, 2025) મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ થઈ હતી. જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકની સારવાર હજુ ચાલી રહી છે, તો કેટલાકને પોતાના ઘરે લઈ જવાયા છે. તો આ દુર્ઘટના બાદથી ઉત્તરપ્રદેશ સરકારે તમામ VIP અને VVIP મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ જવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હાલ વડાપ્રધાન મહાકુંભ નહીં જાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના મહાકુંભ સ્નાન માટે જવાને લઈને ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. બની શકે કે વડાપ્રધાન તેમની મુલાકાત થોડા દિવસ મુલતવી રાખી શકે છે. તેનો અર્થ એ છે કે તેઓ 5 ફેબ્રુઆરીએ નહીં પરંતુ અન્ય કોઈ દિવસે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવશે. વડાપ્રધાન મોદીએ મહાકુંભ નાસભાગ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અગાઉ અમિત શાહ અને સીએમ યોગીએ કર્યું હતું પવિત્ર સ્નાન

જણાવી દઈએ કે, અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં ગંગામાં ડુબકી લગાવી હતી. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સપાના વડા અખિલેશ યાદવે પણ ડુબકી લગાવી હતી.

દુર્ઘટનાનું કારણ શું હતું?

મૌની અમાવસ્યાના બ્રહ્મ મુહૂર્ત સમયે લોકોની ભીડ ખૂબ વધી હતી. મેળા પરિસરમાં મોટી ભીડના આવવાના કારણે અખાડા માર્ગ પર અનેક બેરિકેટ્સ તૂટી ગયા હતા. બેરિકેટ્સની બીજી તરફ લોકો ઊંઘેલા હતા અને બેઠેલા હતા, જેઓ ટોળાની ઝપેટમાં આવી ગયા હતા.

પરિસ્થિતિ ફરીથી ન બગડે તે માટે યુપી સરકારે અનેક વ્યવસ્થાઓ કરી

1. નાસભાગ બાદ સમગ્ર કુંભ વિસ્તારને 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.

2. મહાકુંભ માટે જારી કરાયેલા તમામ VIP અને VVIP પાસ રદ કરવામાં આવ્યા છે.

3. ભીડ નિયંત્રણ કરવા માટે સમગ્ર વિસ્તારમાં એક તરફી માર્ગો શરુ કરવામાં આવ્યા છે.

4. નવા પ્રતિબંધો હેઠળ, 4 ફેબ્રુઆરી સુધી શહેરમાં બહારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

5. હવે કુંભ વિસ્તારના બધા પાન્ટૂન પુલ ખોલવામાં આવ્યા છે.

૬. હવે કુંભ વિસ્તારમાં સ્નાન સ્થળોએ લોકોને રોકાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

૭. હવે સંગમ નોઝ ખાતે વહીવટીતંત્ર ભક્તોની સંખ્યા ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

8. નાસભાગ બાદ નવા અધિકારીઓને કુંભની વહીવટી જવાબદારી સોંપવામાં આવી છે.


Google NewsGoogle News