વારાણસીમાં પીએમ મોદીએ સૌને ચોંકાવ્યા, અડધી રાતે કાફલો અટકાવ્યો, જુઓ પછી શું થયું...
વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાત્રે ગુજરાતથી સીધ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા
PM Modi Varanasi Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેઓ મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ શો પણ કર્યો હતો.
વડાપ્રધાને અચાનક કાફલાને રોકીને ફોર લેનનું નિરીક્ષણ કર્યું
આ દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો બનારસ લોકોમેટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો હતો, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ પોતાના કાફલાને શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર રોકીને ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ વડાપ્રધાન મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. નોંધનીય છે કે વડાપ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન થોડાદિવસો પહેલા જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. વડાપ્રધાન મોદીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.
વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમ
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજના કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. તેઓ વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સંત ભાગ લેશે. આ દરમિયાન સંત રવિદાસની પ્રતિમા, સંગ્રહાલય અને ઉદ્યાનનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.