PM મોદી આજથી ફ્રાન્સ-અમેરિકાના પ્રવાસે, ટ્રમ્પ-મસ્ક સાથે કરશે બેઠક, જાણો કંઈ બાબતો પર થશે ચર્ચા-કરાર
PM Modi Visit to France and America : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ ફ્રાન્સમાં એઆઈ એક્શન સમિટમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ અમેરિકા જશે. તેઓ 12 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન પહોંચી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump) સાથે મુલાકાત કરશે.આ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi) અને એલોન મસ્ક (Elon Musk) વચ્ચે મુલાકાત થવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બંનેની મુલાકાત થવાની ચર્ચાઓ ચાલી રહી છે. મોદી 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લાની ફેક્ટરીમાં ગયા હતા. અહેવાલ મુજબ મોદી-ટ્રમ્પની બેઠક દરમિયાન મસ્ક પણ હશે અથવા અલગથી બેઠક યોજાશે.
અમેરિકાને ભારત તરફથી ટેક્સમાં રાહતની અપેક્ષા?
પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા પહોંચશે અને 14 તારીખે ત્યાંથી પરત ફરશે. અમેરિકામાં પ્રમુખ પદની સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પની સૌપ્રથમ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત થઈ હતી અને હવે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. ટ્રમ્પના એજન્ડા મુજબ તેમની પ્રાથમિકતામાં ગાઝા છે. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર (US-China Trade War) ચાલી રહ્યો છે, તેથી અમેરિકા ભારતને એક મુખ્ય સાથી માની રહ્યો છે. એવું કહેવાય છે કે, જો ભારત કેટલીક ચીજ-વસ્તુઓમાં ટેક્સમાં રાહત આપશે, તો ટ્રમ્પ પણ નરમ વલણ અપનાવી શકે છે.
મોદી-ટ્રમ્પ વચ્ચે સારી મિત્રતા
ટ્રમ્પ પ્રથમ કાર્યકાળમાં તેમના અને પીએ મોદી વચ્ચે સારી મિત્રતા હતી અને હવે ફરી બંને વચ્ચે મુલાકાત થવાની છે. તાજેતરમાં જ અમેરિકાએ ગેરકાયદે રહેતા 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા અને સેનાના વિમાનમાં ભારત મોકલી દીધા હતા, તેથી મોદી-ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં આ મુદ્દો પણ ચર્ચાવાની અટકળો ચાલી રહી છે. અમેરિકાએ ડિપોર્ટ કરેલાઓને ગેરકાયદે પ્રવાસીઓ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ કોઈપણ પુરાવા વગર અમેરિકામાં હતા. એટલું જ નહીં અમેરિકા ગેરકાયદે રહેતા વધુ 600 ભારતીય પ્રવાસીઓને પરત મોકલવાનું છે.
મોદી-ટ્રમ્પ વચ્ચે કંઈ બાબતો પર ચર્ચા થવાની સંભાવના
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકમાં વેપાર, રોકાણ અને ઊર્જા મુદ્દે સમજૂતી થઈ શકે છે. આ ઉપરાંત સંયુક્ત નિવેદનમાં આવી કેટલીક બાબતો આવી શકે છે, જેમાં ભૂ-વ્યૂહાત્મક વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલાથી જ અમેરિકામાં બનેલા ડિફેન્સ હાર્ડવેર ખરીદવા માટે સંમત છે. મુલાકાત દરમિયાન ભારત કેટલીક અન્ય પ્રોડક્ટ્સ પર પણ ટેરિફ રાહત આપી છે. અમેરિકા-ચીનનો ટ્રેડ વોર થતા ચીને અમેરિકન તેલ અને ગેસમાં 10 ટકા ટેક્સ વધારી દીધો છે, તેથી ભારત તેલ-ગેસમાં અમેરિકાના રાહત આપી શકે છે. ભારતને ઉર્જા સપ્લાય કરનારા દેશોમાં અમેરિકા પાંચમા સ્થાને છે.