USએ વિઝા રદ કર્યા ત્યારે PM મોદીએ શું સંકલ્પ લીધો હતો? જાણો પહેલા પૉડકાસ્ટની મહત્ત્વની વાતો
PM Modi Podcast Interview With Nikhil Kamat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે(9 જાન્યુઆરી, 2025)ના રોજ શેર ટ્રેડિંગ એપ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુમાં કેટલીક વાતો કરી છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીનો આ પહેલો પૉડકાસ્ટ ઇન્ટરવ્યુ છે.
'હવે એવું પણ કોઈ નથી જે મને 'તું' કહીને બોલાવે'
પૉડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ પોતાના બાળપણ અને બાળપણના મિત્રોની વાતો શેર કરી છે. તેમનું કહેવું છે કે, 'હવે મારો કોઈ મિત્ર નથી, એવું પણ કોઈ નથી જે મને 'તું' કહીને બોલાવે. એક શિક્ષક હતા જે તેમને પત્ર લખતા હતા તો હંમેશા 'તું' કહીને બોલાવતા હતા, પરંતુ હવે તે નથી રહ્યા.' તેમણે જણાવ્યું કે, તેમના શિક્ષકનું નામ રાસબિહાર મણિયાર હતું અને જ્યારે પણ તેઓ પત્ર લખતા હતા તો હંમેશા 'તું' લખતા હતા, પરંતુ તેમનું હાલમાં 94 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું.
વડાપ્રધાને કહ્યું કે, તેમણે ખૂબ નાની ઉંમરમાં જ પોતાનું ઘર છોડી દીધું હતું, જેના કારણે તેમના સ્કૂલના મિત્રો સાથે કોઈ સંપર્ક ન રહ્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તેમણે સ્કૂલના મિત્રોને બોલાવ્યા, પરંતુ તેમની સાથે વાત કરતાં મિત્રતા ન જોવા મળી, કારણ કે તે લોકોને હું મુખ્યમંત્રી નજરે આવી રહ્યો હતો, જ્યારે હું તેમનામાં મિત્ર શોધી રહ્યો હતો.
'રિસ્ક લેવાની મારી ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ ન થયો'
વડાપ્રધાન મોદીએ પોતાના જીવનના કેટલાક પાસાઓ પર વિસ્તારથી વાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મારી જે રિસ્ક લેવાની ક્ષમતા છે તેનો પૂર્ણ રીતે ઉપયોગ ન થયો. ઘણો ઓછો થયો છે. મારી રિસ્ક લેવાની ક્ષમતા અનેક ગણી વધારે છે.' વડાપ્રધાને તેનું કારણ પણ જણાવ્યું.
પોતાના જીવનના બાળપણના કિસ્સા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં જીવનમાં ઘણા ઝટકા જોયા છે. હું નાનો હતો, કદાચ પ્રાથમિક શાળામાં ભણતો હતો, મને બરોબર યાદ નથી. મારા રાજ્યમાં કોઈ સૈનિક સ્કૂલ શરુ થઈ હતી, મને સમાચાર વાંચવાની આદત હતી. હું જાહેરાતો પણ વાંચી લેતો હતો. મારા ગામમાં પુસ્તકાલય હતું, ત્યાં હું જતો હતો, મેં આ સૈનિક સ્કૂલ અંગે વાંચ્યું. મેં એક કે દોઢ રૂપિયાના પાર્સલમાં તેના અંગે બધુ મંગાવ્યું. મારા ત્યાં રાસબિહારી મણિયારના નામથી એક પ્રિન્સિપલ હતા, મારા ઘરથી 300-400 મીટર દૂર રહેતા હતા, એક દિવસ હું પાર્સલ લઈને તેમના ઘરે પહોંચી ગયો અને કહ્યું કે, મને આ સમજમાં નથી આવતું, મને આ અંગે સમજાવો.
વડાપ્રધાન મોદીએ તે પ્રિન્સિપલ અંગે જણાવતાં કહ્યું કે, તેઓ ખૂબ જ દયાળુ હતા. તેમણે મને કહ્યું કે તું ચિંતા ન કર દીકરા. આ એક સૈનિક સ્કૂલ છે, તેના માટે પરીક્ષા યોજાય છે, ઇન્ટરવ્યુ થાય છે. પછી આ બધી વાત મેં મારા પિતાને જણાવી. પિતાએ કહ્યું કે મારી પાસે પૈસા નથી, ક્યાંય જવાનું નથી. પોતાના ગામમાં જ રહો. મારા ગામમાં સૈનિક સ્કૂલને લઈને એક વાત હતી, મોટી વસ્તુ હતી. દેશ માટે કામ કરે છે તે વાત મારા મનમાં હંમેશા રહી અને હું મારા માટે સેટબેકની જેમ રહ્યો. મને લાગ્યું કે આ હું પણ નહીં કરી શકતો.
'મનમાં પણ સાધુનું જીવન જીવવાની ઇચ્છા'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને યાદ છે કે મારા મનમાં સાધુનું જીવન જીવવાની ઇચ્છા હતા. હું એ ન કરી શક્યો. પહેલો પ્રયાસ હતો રામકૃષ્ણ મિશનથી પોતાને જોડવાનો. સ્વામી આત્માસ્થાનંદજી જેમનો હાલમાં સ્વર્ગવાસ થયો છે, તેમણે મારા માટે ઘણું બધું કહ્યું છે, હું તેમની પાસે રહ્યો, પરંતુ રામકૃષ્ણ મિશનના કેટલાક નિયમ હતા, હું તેમાં બેસતો ન હતો, હું ત્યાં ફિટ ન થયો, મને ના પાડી દેવામાં આવી પરંતુ હું નિરાશ ન થયો. મારું સપનું અધૂરું રહી ગયું. આ પણ ઝટકો જ હતો મારા જીવનમાં.
મેલોની સાથે મીમ્સ પર શું બોલ્યા વડાપ્રધાન મોદી?
ઇટલીના વડાપ્રધાન જૉર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદીની મિત્રતા ચર્ચામાં રહે છે. મેલોની પણ અનેક વખત વડાપ્રધાન મોદીના વિઝનના વખાણ કરી ચૂક્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર બંનેને લઈને ખુબ મીમ્સ વાયરલ થાય છે. જ્યારે આ અંગે વડાપ્રધાન મોદીને પૂછવામાં આવ્યું કે શું તેમણે પણ આ મીમ્સ જોયા છે? જેના પર વડાપ્રધાન મોદીએ હસતાં કહ્યું કે, 'એ તો ચાલતું રહે છે. હું તેમાં મારો ટાઇમ ખરાબ નથી કરવા માગતો.'
'જ્યારે અમેરિકાએ મારા વિઝા રદ કર્યા તો દુઃખ થયું હતું'
પૉડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે અમેરિકન સરકારે મારા વિઝા રદ કરી દીધા હતા. વ્યક્તિગત રીતે મારે અમેરિકા જવાનું ન હતું, કોઈ મોટી વાત ન હતી. પરંતુ એક ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રીનું અપમાન, આ હું અનુભવતો હતો. મને મનમાં ખૂંચતું હતું. કેટલાક લોકોએ જૂઠ ચલાવી દીધું અને દુનિયાએ માની લીધું. આ પ્રકારના નિર્ણય થવા લાગ્યા. શું આવી રીતે દુનિયા ચાલે છે. ત્યારે મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું હવે એવું ભારત જોવા માગું છું કે દુનિયા વિઝા માટે લાઇનમાં ઊભી રહેશે. આ 2005નું મારું સ્ટેટમેન્ટ છે. આજે 2025 છે, જોઈ લો. મને દેખાઈ રહ્યું છે કે હવે સમય ભારતનો છે.
ગોધરા કાંડ પર વડાપ્રધાન મોદીએ ખુલીને વાત કરી
ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં થયેલા ગોધરા કાંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલીને વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ધારાસભ્ય બન્યાના ત્રણ દિવસ પણ નહોતા થયા કે ગોધરામાં રમખાણ થઈ ગયા. રમખાણના સમાચાર મળતાં જ મેં ગોધરા જવાનો નિર્ણય લીધો. મેં પોતાની આંખોથી ગોધરાની હકીકત જોઈ. ગોધરાની તસવીરો ખૂબ જ દર્દનાક હતી. મને જણાવાયું કે ટ્રેનમાં આગ લાગી છે.
ઈજાગ્રસ્તોને મળવા માટે હૉસ્પિટલ ગયો
વડાપ્રધાન મોદીએ કહ્યું, ગોધરામાં પાંચ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ થયા. તમે કલ્પના કરી શકો કે શું સ્થિતિ રહી હશે. મેં પોતાના સિક્યોરિટી વાળાને કહ્યું કે, હું પોલીસ કંટ્રોલ રૂમ જવા માગું છું. જેના પર સિક્યોરિટી વાળાએ સુરક્ષાનો હવાલો આપીને ત્યાં જવાની ના પાડી. મેં કહ્યું કે, જે પણ થાય હું ત્યાં જઈશ. હું આવીને ગાડીમાં બેસી ગયો. મેં કહ્યું કે, સૌથી પહેલા હૉસ્પિટલ જઈશ. સિક્યોરિટી વાળાએ કહ્યું કે, તમામ જગ્યાએ બ્લાસ્ટ થઈ રહ્યા છે. તેમ છતાં મેં પોતાની જવાબદારી નિભાવતા ઈજાગ્રસ્તોને જોવા માટે હૉસ્પિટલ પહોંચ્યો.
રમખાણ સમયે વિધાનસભામાં હતા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારી અંદર જવાબદારીનો ભાવ હતો. હું 24 ફેબ્રુઆરી 2002ના રોજ પહેલીવાર ધારાસભ્ય બન્યો. 27 ફેબ્રુઆરીએ પહેલીવાર વિધાનસભામાં ગયો. ધારાસભ્ય બન્યાના ત્રણ દિવસ પણ નહોતા થયા કે અચાનક ગોધરા કાંડ થઈ ગયો. તે સમયે હું વિધાનસભામાં હતો. નીકળતાં જ મેં કહ્યું કે, હું ગોધરા જવા માગું છું. મેં કહ્યું કે, પહેલા આપણે વડોદરા જઈશું. ત્યાંથી હેલિકોપ્ટર લઈશું. મને જણાવાયું કે હેલિકોપ્ટર નથી. મેં કહ્યું કે, જોઈલો કોઈનું મળી જાય તો. એક સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર મળ્યું. મને કહેવામાં આવ્યું કે, જે હેલિકોપ્ટર છે, તેમાં વીઆઇપીને ન લઈ જઈ શકાય. હું તે લોકો સાથે ઝઘડ્યો કે હું કોઈ વીઆઇપી નથી. હું સામાન્ય માણસ છું. હું લખીને આપું છું કે જો મને કંઈ થાય છે તો મારી જવાબદાર રહેશે. ત્યારબાદ અમે ગોધરા ગયા.
ખૂબ જ દર્દનાક તસવીરો હતી
હું ખૂબ જ ચિંતિત હતો. ગોધરા જઈ જોયું તો ત્યાં તસવીરો દર્દનાક હતી. હું પણ માણસ છું. મને પણ ઘણું થયું જે એક માણસની અંદર હોય છે. તે સમયે મેં જે પણ થઈ શકે તે કર્યું.
વડાપ્રધાને જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો
બીજી તરફ પીએમ મોદીએ ગુરુવારે 10 હજાર નાગરિકોના જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો. તેમણે કહ્યું કે ‘બાયોટૅક્નોલૉજી સંશોધન ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.’ બાયોટૅક્નોલૉજી વિભાગ દ્વારા આયોજિત જીનોમિક્સ ડેટા સંમેલનમાં પીએમ મોદીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘મને ખુશી છે કે દેશના 20થી વધુ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટનો ડેટા 10 હજાર ભારતીયોના જીનોમ સિક્વન્સિંગ હવે ઇન્ડિયા બાયોલોજિકલ ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.’
રિસર્ચની દુનિયામાં ઐતિહાસિક પગલું
પીએમ મોદીએ કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે બાયોટૅક્નોલૉજી રિસર્ચના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આઇઆઇટી, વૈજ્ઞાનિક, સીએસઆઇઆર અને બાયોટૅક્નોલૉજી રિસર્ચ ઍન્ડ ઇનોવેશન સેન્ટર જેવા 20થી વધુ પ્રસિદ્ધ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને આ શોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે દેશે રિસર્ચની દુનિયામાં ખૂબ ઐતિહાસિક પગલું ભર્યું છે. પાંચ વર્ષ પહેલાં જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. આ દરમિયાન કોવિડના પડકાર છતાં આપણા વિજ્ઞાનીઓએ ખૂબ મહેનતથી પૂરો કર્યો છે. આ ડેટાબેઝમાં દુનિયાના અસાધારણ આનુવંશિક લેન્ડસ્કેપ આવરી લેવામાં આવ્યું છે.’
'હું પણ માણસ છું, કોઈ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે. રાજકારણમાં મિશન સાથે ઉતરવું જોઈએ, મહત્ત્વાકાંક્ષા સાથે નહીં. રાજકારણમાં સતત સારા લોકો આવતાં રહેવા જોઈએ.' દુનિયામાં વિવિધ દેશ વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે તેમણે કહ્યું કે, 'અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું.' આ દરમિયાન તેમને પહેલી અને બીજી ટર્મ વચ્ચે શું ફર્ક છે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો.'
જો કોઈ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશો? આ અંગે તેમણે કહ્યું કે, 'રાજકારણમાં મિશન સાથે આવો.'