અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, PM મોદી DRDOને આપ્યા અભિનંદન, જાણો મિસાઈલની ખાસીયત
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ટ્વિટ પર અગ્નિ-5 મિસાઈલ (Agni-5 Missile)નો ઉલ્લેખ કરી DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, DRDOના વૈજ્ઞાનિકોએ ‘મિશન દિવ્યસ્ત્ર’ હેઠળ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે, અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કરનાર વૈજ્ઞાનિકો પર ગર્વ છે.
અગ્નિ-5 મિસાઈલની ફાયર ક્ષમતા 8000 કિમી
અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની ક્ષમતા 5000થી 8000 કિમી છે. આ મિસાઈલનું વજન 50 ટન છે. તેમજ અગ્નિ-5 ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.
મિસાઈલ હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ
મળતા અહેવાલો મુજબ આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે. 'અગ્નિ-5' આપણી બીજી શ્રેણીઓમાનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.
અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ ધરાવતી આવી મિસાઇલ બહુ ઓછા દેશો પાસે છે, જેમાં પાકિસ્તાન પાસે આવી મિસાઇલ નથી. જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ, ઉત્તર કોરિયા પાસે છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે પહેલાથી જ 700 કિમીની રેન્જવાળી અગ્નિ-1, 2000 કિમીની રેન્જવાળી અગ્નિ-2, 2,500 કિમીથી 3,500 કિમીની રેન્જવાળી અગ્નિ-3 મિસાઈલ છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.