'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે PM મોદી, ગોધરા કાંડ પર આધારિત છે વિક્રાંત મેસીની આ ફિલ્મ
PM Modi To Watch 'Sabarmati Report' Film: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે (બીજી ડિસેમ્બર) બોલિવૂડ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ સોમવારે સાંજે 4 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમમાં છે. આ ઓડિટોરિયમ સંસદ ભવનનાં જ પરિસરમાં છે.
પીએમ મોદીનું શેડ્યુલ
ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ત્યારબાદ સંસદના સભ્યો પણ પહોંચશે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જોકે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.
પીએમ મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ ગોધરા ઘટનાને દર્શાવતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.'
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં વિક્રાંત મેસીની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.