Get The App

‘હાર-જીત તો રાજકારણનો ભાગ છે, નંબર ગેમ ચાલ્યા કરે’, બીજા કાર્યકાળની છેલ્લી બેઠકમાં PM મોદી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
‘હાર-જીત તો રાજકારણનો ભાગ છે, નંબર ગેમ ચાલ્યા કરે’, બીજા કાર્યકાળની છેલ્લી બેઠકમાં PM મોદી 1 - image


Loksabha Election 2024 Results: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે. આઠ જૂને વડાપ્રધાન તરીકે શપથવિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ તમામ કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી અને મંત્રી પરિષદની સાથે પોતાનું રાજીનામુ સોંપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક કર્યા બાદ રાજીનામુ આપ્યું હતું. જેમાં તેમણે મંત્રીઓને ચૂંટણી પરિણામો પર ચર્ચા કરતાં કહ્યું હતું કે, “હાર-જીત એ રાજનીતિનો એક હિસ્સો છે. નંબર-ગેમ ચાલતી રહે છે. આપણે દસ વર્ષ સારા કામો કર્યા છે, અને આગળ પણ કરતાં રહીશું. આપણે બધાએ ખૂબ મહેનત કરી છે.” 

વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓનો જુસ્સો વધારી તમામનો આભાર માન્યો હતો. ત્યારબાદ રાજીનામુ આપવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે પરંતુ તે બહુમતના આંકડાથી દૂર રહી ગઈ છે અને તેણે 240 બેઠકો પર જીત મેળવી છે. જોકે, એનડીએએ 292 બેઠકો પર જીત નોંધી છે અને એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસ સમગ્ર જોશમાં નજર આવી રહી છે અને ચર્ચા છે કે શું ભાજપની સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ શું ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે છે. જો એવું થયું તો આ પહેલી વખત નથી જ્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીને જ સત્તાથી દૂર રહેવું પડશે.

વર્ષ 1996ની ચૂંટણી બાદ પણ આવું જ થયું, જ્યારે ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ સરકાર બનાવી શકી નહીં. તે ચૂંટણીમાં ભાજપે 161 બેઠકો પર જીત નોંધાવી હતી જ્યારે કોંગ્રેસે 140 બેઠકો પર કબ્જો કર્યો હતો. સૌથી મોટી પાર્ટી બન્યા બાદ ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન પદના શપથ પણ લીધાં હતાં પરંતુ તેમની સરકાર લગભગ 13 દિવસમાં જ પડી ગઈ, કેમ ભાજપ સંસદમાં બહુમત સાબિત કરી શક્યું નહીં. 


Google NewsGoogle News