Get The App

'હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ તો ચાલતી રહે..', છેલ્લી કેબિનેટ બેઠકમાં PM મોદી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
'હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ તો ચાલતી રહે..', છેલ્લી કેબિનેટ બેઠકમાં PM મોદી 1 - image


Lok Sabha Elections 2024: વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું હતું. નોંધનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે.

મોદીએ તેમના બીજા કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક પણ યોજી

રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને મંત્રી પરિષદની સાથે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે નવી સરકાર જ્યાં સુધી કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી તેઓ પદ પર ચાલુ રહે.' રાષ્ટ્રપતિને રાજીનામું સોંપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક પણ યોજી હતી. જેમાં મંત્રીઓ સાથે ચૂંટણી પરિણામો પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે 'હાર-જીત રાજકારણનો હિસ્સો છે, નંબર ગેમ ચાલુ રહેશે. આપણે દસ વર્ષ સુધી સારું કામ કર્યું છે, ભવિષ્યમાં પણ કરીશું. તમે બધાએ ખૂબ મહેનત કરી છે.'

16 જૂને કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ મોદી કેબિનેટને વિદાય ડિનર આપશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે 8 વાગ્યાથી આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે. હવે આગામી 8 જૂનના રોજ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. 

ભાજપને બહુમતી નથી મળી... 

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે ત્યારે ભાજપને બહુમતી મળી નથી. તે 240 જ બેઠક જીતી શક્યો છે. એટલા માટે હવે સરકાર બનાવવા માટે દારોમદાર હવે એનડીએના સાથી પક્ષો પર છે.  આગામી 8 જૂને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથી પક્ષોના ટેકા બાદ પીએમ પદના શપથ લે તેવી શક્યતા છે. જ્યારે બીજી બાજુ I.N.D.I.A. ગઠબંધન પણ જોર લગાવી રહ્યું છે કે તે ટીડીપી અને નીતીશ કુમારની પાર્ટી જેડીયુને મનાવી શકે અને તેમના સમર્થનથી કેન્દ્રમાં સરકાર બનાવી શકે. હાલમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 7 જૂને એનડીએ પણ સંસદીય દળની બેઠક બોલાવી શકે છે. 

'હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ તો ચાલતી રહે..', છેલ્લી કેબિનેટ બેઠકમાં PM મોદી 2 - image


Google NewsGoogle News