'હું પણ આતુરતાથી રાહ જોઇ રહ્યો છું...', PM મોદીએ ઓમર અબ્દુલ્લાની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા
Z-Morh Tunnel Inauguration : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે (11 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી યાત્રા અને ઝેડ મોડ ટનલના ઉદ્ઘાટનને લઇને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ટનલનો ઉદ્દેશ્ય સોનમર્ગને પ્રવાસન માટે સુલભ બનાવવાનું છે. ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. જેના પર વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો.
શું બોલ્યા ઓમર અબ્દુલ્લા?
ઓમર અબ્દુલ્લાએ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'ટનલના ઉદ્ઘાટનથી સોનમર્ગનું એક વિશ્વ સ્તરીય સ્કી રિસોર્ટના રૂપમાં વિકાસ થશે. આ સાથે જ, શિયાળામાં સ્થાનિક લોકોના સ્થળાંતરની સમસ્યા પણ ઘટશે અને શ્રીનગરથી કારગિલ તેમજ લેહ વચ્ચે મુસાફરીનો સમય પણ ઘટશે.'
PM મોદીએ આપ્યો જવાબ
વડાપ્રધાન મોદીએ ઓમર અબ્દુલ્લાની પોસ્ટ પર જવાબ આપી ટનલના ઉદ્ઘાટન અને સોનમર્ગની યાત્રાને લઇને કુતૂહલતા વ્યક્ત કરી હતી. પીએમે લખ્યું કે, 'હું સોનમર્ગની યાત્રા અને ટનલના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આ ટનલ પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થા માટે ખુબ જ લાભદાયક નિવડશે.'
15 જાન્યુઆરીએ PM કરશે ઉદ્ઘાટન
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી 15 જાન્યુઆરીએ આ ટનલનું ઉદ્ઘાટન કરશે. અગાઉ તેઓ આ કાર્યક્રમ વર્ચ્યુઅલી કરવાના હતા. જોકે, હવે તેઓ પોતે શ્રીનગર પહોંચી આ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ટનલથી પ્રવાસનને વેગ મળશે
શિયાળામાં બરફવર્ષાને કારણે સોનમર્ગ પહોંચવું અશક્ય બની જાય છે. જોકે, આ ટનલ હવે સોનમર્ગને આખું વર્ષ મુસાફરી માટે સુલભ બનાવશે, જેનાથી પ્રવાસીઓ શિયાળામાં પણ અહીંના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે. આ ટનલ સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો પણ ઉભી કરશે. હોટલ, પરિવહન અને અન્ય સેવાઓમાં વૃદ્ધિ પ્રદેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
આ ટનલ ભારતીય સેના માટે પણ મહત્વપૂર્ણ રહેશે. આનાથી ઉત્તરીય સરહદો પર સૈનિકો અને લશ્કરી સાધનોનો પુરવઠો પહોંચાડવો સરળ બનશે. આ ટનલ ખરાબ હવામાન દરમિયાન સલામત માર્ગ તરીકે કામ કરશે. આ ટનલ માત્ર સોનમર્ગ જ નહીં પરંતુ શ્રીનગરથી કારગિલ અને લેહ સુધીની મુસાફરીને પણ ઝડપી અને સુરક્ષિત બનાવશે. આનાથી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે.