Video : રવિવારે દ્વારકામાં 980 કરોડના 'સુદર્શન સેતુ'નું કરાશે ઉદ્ધાટન, જાણો પુલની ખાસ વાતો
ભારતના સૌથી મોટા કેબલ-સ્ટે બ્રિજનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન
Sudarshan Setu: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે. આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. તેને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2.32 કિમીની લંબાઇ સાથે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે.
ખૂબ જ ખાસ છે બ્રિજની ડિઝાઇન
સુદર્શન બ્રિજની ડિઝાઇન ખૂબ જ ખાસ છે. તેના ફૂટપાથ પર ચાલતી વખતે, ભક્તો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો વાંચી શકશે અને ભગવાન કૃષ્ણના ચિત્રો જોઈ શકશે. ફૂટપાથની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી એક મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ પુલના નિર્માણથી ભક્તોને દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે અવરજવરમાં સગવડ મળશે. પહેલા લોકોએ આ માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો. આ પુલ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે.
સુદર્શન સેતુની વિશેષતાઓ
- સુદર્શન સેતુ સ્ટિલના તોરણ અને પંખા જેવી પેટર્નમાં ગોઠવાયેલા કેબલથી બનેલો છે. આ એક કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ પ્રકારના પુલમાં વજન સ્ટિલના કેબલ પર રહે છે. બ્રિજ ડેક સ્ટિલ અને પ્રબલિત કોંક્રિટથી બનેલો છે
- સુદર્શન સેતુની પહોળાઈ 27.2 મીટર છે. અવરજવર માટે બે લેન છે. આ સાથે બંને બાજુ 8 ફૂટ પહોળી ફૂટપાથ છે
- ફૂટપાથ શેડની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
- પુલની કુલ લંબાઈ 2320 મીટર છે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે
- ઓખા અને બેટ દ્વારકા કાંઠે આવેલા એપ્રોચ બ્રિજની લંબાઈ અનુક્રમે 770 મીટર અને 650 મીટર છે
- બ્રિજના બે પાઈલોન 129.985 મીટર ઊંચા છે. તેમનો આકાર A જેવો છે
- પુલ સાથે જોડાયેલા રસ્તાની કુલ લંબાઈ 2.8 કિલોમીટર છે
- પીએમ નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2017ના રોજ આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.