PM મોદી એક દિવસ માટે મહિલાઓને સોંપશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, 'મન કી બાત'માં મોટી જાહેરાત
PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મનકી બાત કાર્યક્રમમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓને સોંપવાની જાહેરાત કરી છે. જેથી મહિલાઓ પોતાની વાત અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કરી શકે. વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે.
કોને સોંપશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ?
વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે. આ વખતે મહિલા દિવસ નિમિત્તે હું એક એવી પહેલ શરૂ કરવા જઈ રહ્યો છે, જે આપણી નારી શક્તિને સમર્પિત હશે. આ વિશેષ અવસર પર હું મારા X, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું.
આ મહિલાઓને મળશે તક
વડાપ્રધાને આગળ જણાવ્યું કે, 'એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે, પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે. જો તમે પણ અવસરનો લાભ મેળવવા માંગતા હોવ તો નમો એપ પર બનાવેલા એક વિશેષ ફોર્મના માધ્યમથી જોડાઈ શકો છો.'
આ પણ વાંચોઃ ક્રિકેટ જગતનો સૌથી મોટો મુકાબલો: ભારત-પાકિસ્તાન ટીમમાંથી કોના પક્ષમાં છે X ફેક્ટર?
NamoApp થી પહેલમાં ભાગ લો
જો તમે પણ ઈચ્છતા હોવ કે, આ અવસર તમને મળે, તો NamoApp ડાઉનલોડ કરી એક વિશેષ ફોર્મના માધ્યમથી આ પહેલમાં ભાગ લઈ શકો છો, મારા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની મદદથી વિશ્વ સમક્ષ પોતાની વાત રજૂ કરી શકો છો. તો આવો, મહિલા દિવસ પર આપણે સાથે મળીને આ અદ્ભૂત નારી-શક્તિની ઉજવણી કરીએ, સન્માન કરીએ, નમન કરીએ.