વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
PM Modi Interacts With Students: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'દિલ્હીમાં 9મા ધોરણ પછી, ફક્ત તે વિદ્યાર્થીઓને જ આગળ વધવાની મંજૂરી છે જેમની પાસે પાસ થવાની ગેરંટી છે.'
પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે, 'મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં તેઓ (આપ સરકાર) નવમા ધોરણ પછી બાળકોને આગળ વધવા દેતી નથી. ફક્ત તે બાળકોને જ આગળ વધવાની મંજૂરી છે જેમની પાસ થવાની ગેરંટી હોય છે. આવું થાય છે કારણ કે જો તેમના પરિણામો ખરાબ આવશે, તો તેમની સરકારની પ્રતિષ્ઠા ખરડાશે. એટલા માટે કામ ખૂબ જ અપ્રમાણિકતાથી કરવામાં આવે છે.'
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય છે. સીબીએસઈ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાઓ અંગે ચર્ચા કરીને, પીએમ મોદી માત્ર તેમનો તણાવ દૂર કરતા નથી પરંતુ તેમને પરીક્ષા સંબંધિત ટિપ્સ પણ આપે છે.
પરીક્ષા પે ચર્ચા 2025
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જોડાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પરીક્ષા પે ચર્ચા 2025(PPC 2025)ની 8મી આવૃત્તિને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પહેલમાં 2.94 લાખ શાળાઓ, 12.81 લાખ શિક્ષકો અને 1.42 કરોડ વિદ્યાર્થીઓની ભાગીદારીએ તેને રાષ્ટ્રીય ઉજવણી બનાવી છે. હાલમાં પીપીસી 2025ના આયોજનની તારીખ જાહેર કરવામાં આવી નથી. ગયા વર્ષે આ ઘટના 29 જાન્યુઆરીએ બની હતી.