Get The App

કોંગ્રેસના 'વારસદાર' આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

Updated: Sep 19th, 2024

GS TEAM


Google News
Google News
કોંગ્રેસના 'વારસદાર' આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 1 - image


Image Source: Twitter

PM Modi Katra Rally: જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસનો વારસદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વારસદારે વિદેશમાં જઈને શું કહ્યું તે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તેઓ કહે છે કે આપણા દેવી-દેવતા ભગવાન નથી. હિન્દુ ધર્મમાં ગામ-ગામમાં દેવતાઓની પરંપરા છે. આપણે ઈષ્ટ દેવોમાં શ્રદ્ધા રાખનારા લોકો છીએ અને આ કોંગ્રેસ વાળા કહે છે કે દેવતા ભગવાન નથી. શું આ આપણા દેવતાઓનું અપમાન નથી. 

રાહુલ ગાંધીના નિવેદનને ગણાવી નક્સલવાદી વિચારસરણી

બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ કટરામાં કહ્યું કે, કોંગ્રેસ તો થોડા મતો માટે આપણી આસ્થા અને આપણી સંસ્કૃતિને ગમે ત્યારે દાવ પર લગાવી શકે છે. અમેરિકામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. PMએ કહ્યું કે, કોંગ્રેસના લોકો ભૂલથી આવી વાતો નથી બોલતા પરંતુ આ તેમની ઈરાદાપૂર્વકની ચાલ છે. આ નક્સલવાદી વિચારસરણી છે અને અન્ય દેશોમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવેલી વિચારસરણી છે. 

કોંગ્રેસને  વોટ બેંક સિવાય કંઈ નથી દેખાતું

પીએમ મોદીએ આગળ કહ્યું કે, તમારે કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના જે પરિવારોએ આ વિસ્તારને વર્ષો સુધી ઘાવ આપ્યા, જખમ આપ્યા તેમના રાજકીય વારસાનો સૂર્યાસ્ત કરવો પડશે. તેના માટે તમારે કમળના નિશાનને પસંદ કરવું પડશે. એ ભાજપ જ છે જે તમારા હિતોને પ્રાથમિકતા આપે છે. એ ભાજપ જ છે જેણે તમારી સાથે દાયકાઓથી ચાલી રહેલા ભેદભાવને ખતમ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાએ ઈરાદાપૂર્વક ડોગરા વિરાસત પર આ હુમલો કર્યો છે. આ મહોબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાની આ તેમની જૂની નીતિ છે. તેમને વોટ બેંક સિવાય બીજું કંઈ નથી દેખાતું. તે ભારતમાં ભ્રષ્ટાચારના જન્મદાતા છે. 

Tags :