'મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ', વડાપ્રધાન મોદીએ આપી જીતની શુભેચ્છા, જાણો શું થઈ વાતચીત
US Election 2024 Result : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત થઈ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ભવ્ય જીત બદલ શુભેચ્છા પાઠવી છે. ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે વડાપ્રધાન મોદીએ 'X' પર માહિતી આપી છે. વિશ્વ શાંતિ માટે સાથે હોવાની વાત કરી છે.
ભારત અને અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવા ઉત્સુક : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ 'X' પર લખ્યું કે, 'મારા મિત્ર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે. તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ટેક્નોલોજી, રક્ષા, ઉર્જા, અવકાશ સહિતના ઘણા ક્ષેત્રો અંગે વાત કરી છે. ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા ફરી એકવાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ.'
ભારત શાનદાર દેશ છે અને અમેરિકાનો સાચો મિત્ર : ડોનાલ્ડ ટ્રમ્પ
તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત શાનદાર દેશ છે અને વડાપ્રધાન મોદી શાનદાર વ્યક્તિ છે. આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે. ભારત અને પીએમ મોદીને સાચા મિત્ર માનું છું. ભારત અમેરિકાનું સારું મિત્ર છે.'
અગાઉ 'X' પર ટ્રમ્પને આપી હતી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા 'X' પર લખ્યું કે, 'ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મારા મિત્રને હાર્દિક અભિનંદન. જેવી રીતે તમે તમારા અગાઉના કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકાના વ્યાપક વાશ્વિક અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને સાથે મળી નવીનીકરણ કરવા માટે ઉત્સુક છું.'
આ પણ વાંચો : ટ્રમ્પની જીતથી ચીનને નુકસાન, ઇઝરાયલ બનશે વધુ શક્તિશાળી, જાણો કયા દેશને શું અસર થશે
વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. વડાપ્રધાન મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ટ્રમ્પને મત કરવાની અપીલ કરી હતી. જો કે, તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ ગણાવી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે, ‘આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન નાગરિકોનો વિજય છે.’