‘મુસ્લિમોની 77 જાતિઓને બનાવી દીધી OBC, તેમને બધે જ મળી રહી છે મલાઈ’, વડાપ્રધાનના ટીએમસી-કોંગ્રેસ પર પ્રહાર
PM Narendra Modi in Shimla : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમો અને અન્ય પછાત વર્ગ (OBC)ના અનામતનો ઉલ્લેખ કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આ પક્ષોએ બંગાળમાં ઓબીસીનું અનામત છિનવી મુસ્લિનોને આપ્યું, પરંતુ કોલકાતા હાઈકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો.
ઓબીસીનો હક મુસ્લિમ જાતિઓને આપી દેવાયો : મોદી
વડાપ્રધાને આજે (24 મે) શિમલામાં ચૂંટણી સભા ગજવી હતી, જ્યાં તેમણે કહ્યું કે, ‘ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)ના ષડયંત્રનું તાજુ ઉદાહરણ પશ્ચિમ બંગાળ (West Bengal)માં સામે આવ્યું છે. બે દિવસ પહેલા કોલકાતા હાઈકોર્ટે (Calcutta High Court) 77 મુસ્લિમ જાતિઓનું અનામત ખતમ કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ 77 મુસ્લિમ જાતિઓને નોકરી, ભણતર અને તમામ જગ્યાએ મલાઈ મળી રહી હતી. ઈન્ડિયા ગઠબંધને મુસ્લિમોની ઘણી જાતિઓને ઓબીસી (Muslim Reservation) બનાવી દીધી હતી અને ઓબીસીનો હક તેમને આપી દીધો હતો. ઈન્ડિયા ગઠબંધને ઓબીસીની હક પર તરાપ મારી અને બંધારણના ધજાગાર ઉડાવ્યા છે.’
વડાપ્રધાને મમતા પર સાધ્યુ નિશાન
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોલકાતા હાઈકોર્ટના નિર્ણય બાદ ઈન્ડિયા ગઠબંધનના લોકો ચોંકી ગયા છે. બંગાળની મુખ્યમંત્રીએ તો કોર્ટના નિર્ણયને માનવામાં ઈન્કાર કરી દીધો છે. આ લોકો માટે બંધારણ અને અદાલતોનું કોઈ મહત્વ નથી. તેમના માટે માત્ર વોટ બેંક જ સગા છે.’ ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ઘણી જાતિઓને આપેલો ઓબીસીનો દરજ્જો 22 મેએ રદ કરી દીધો હતો. તો બીજીતરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ હાઈકોર્ટના નિર્ણયને માનવામાં ઈન્કાર કરી દીધો હતો.
મમતા બેનર્જીએ શું કહ્યું?
મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગના જિલ્લાના હરદાહામાં એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ‘હું કોલકાતા હાઈકોર્ટના આ આદેશને સ્વિકારતી નથી. હાઈકોર્ટે તાજેતરમાં 26 હજાર નોકરીઓને રદ કરવાનો આદેશ આપ્યો હતો. મેં આ આદેશનો પણ સ્વિકાર કર્યો નથી.’