હિન્દુ ધર્મનું અપમાન કરવાની ટેવ છે, બીજા ધર્મ વિરુદ્ધ નથી બોલતા: PM મોદીએ DMK પર સાધ્યું નિશાન
આપણા શાસ્ત્રો સાક્ષી છે કે, વિનાશ એનો જ થાય છે જે શક્તિને ખતમ કરવાનો વિચાર ધરાવે છે: PM મોદી
Image Souce: Twitter
નવી દિલ્હી, તા. 19 માર્ચ 2024, મંગળવાર
PM Modi on Rahul Gandhi Shakti Remark : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની 'શક્તિ' ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'વિપક્ષી દળનું 'I.N.D.I.A ગઠબંધન' વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી દળ કોંગ્રેસ અને ડીએમકેની પ્રવૃતિ હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છે. હિન્દુ ધર્મ વિરુદ્ધ તેમના દરેક નિવેદન સમજી વિચારીને આપવામાં આવે છે.'
વડા પ્રધાન મોદીએ I.N.D.I.A ગઠબંધનના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, 'તમે જુઓ ડીએમકે અને કોંગ્રેસનું I.N.D.I.A ગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું. બીજા કોઈ ધર્મ વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો પરંતુ હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતી.'
શક્તિને ખતમ કરવાનો વિચાર કરનારાનો વિનાશ થાય છે
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની 'શક્તિ' વાળી ટિપ્પણીના જવાબમાં કહ્યું કે, 'આપણા શાસ્ત્રો સાક્ષી છે કે, વિનાશ એનો જ થાય છે જે શક્તિને ખતમ કરવાનો વિચાર ધરાવે છે. આવા ખતરનાક વિચારોને હરાવવાની શરૂઆત 19 એપ્રિલે સૌથી પહેલા મારું તમિલનાડુ કરશે. હજું તો ચૂંટણી અભિયાનની શરૂઆત થઈ છે.'
તમામ યોજનાના કેન્દ્રમાં નારીશક્તિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, 'મોદી દેશની નારીશક્તિની દરેક સમસ્યા આગળ ઢાલ બનીને ઊભા છે. મહિલાઓને ધુમાડા મુક્ત જીવન આપવા માટે અમે ઉજ્જવલા LPG ગેસ કનેક્શન આપ્યા છે અમે ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ માટે આયુષ્માન યોજના શરૂ કરી છે. આ તમામ યોજનાઓના કેન્દ્રમાં નારીશક્તિ છે.'