VIDEO: 'તમે અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લેની તસવીરો જોઈ હશે...', કૉન્સર્ટ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી
PM Modi Reacts on Coldplay Concerts: બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે ભારતમાં 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોલ્ડપ્લે કૉન્સર્ટની ચર્ચા છેલ્લા ઘણાં મહિનાઓથી ચાલી રહી હતી. મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કૉન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે પીએમ મોદીએ આજે કોલ્ડપ્લે બૅન્ડનો ઉલ્લેખ કર્યો છે.
પીએમ મોદીએ કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025ને સંબોધિત કરતાં કહ્યું કે, 'છેલ્લાં કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લે કૉન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે, આ તસવીર એ વાતનો પુરાવો છે કે, લાઇવ કૉન્સર્ટ માટે ભારતમાં કેટલો સ્કોપ છે.' મોદીએ પોતાના સંબોધનમાં અમદાવાદમાં યોજાયેલ બ્રિટિશ રૉક બૅન્ડ કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આજે ભારતમાં કૉન્સર્ટ ઈકોનોમી સેક્ટર પણ વિકસી રહ્યું છે. આ દેશ કૉન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યુમર છે.'
10 વર્ષમાં લાઇવ ઈવેન્ટ્સ અને કૉન્સર્ટનું ચલણ વધ્યું
તેમણે આગળ કહ્યું કે, 'મને આશા છે કે, કૉન્સર્ટ ઈકોનોમી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને પ્રાઇવેટ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરશે. હાલના સમયમાં વિશ્વભરના મોટા કલાકારો ભારત આવવા માગે છે. આ એક એવો દેશ છે જેની સંગીત, ડાન્સ અને સ્ટોરી ટેલિંગની મોટી વિરાસત રહી છે. અહીં કૉન્સર્ટ ઈકોનોમીની ખૂબ સંભાવનાઓ છે. છેલ્લા 10 વર્ષમાં લાઇવ ઈવેન્ટ્સ અને કૉન્સર્ટનું ચલણ વધ્યું છે.'
કોલ્ડપ્લે એ એક બ્રિટીશ ઓલ્ટરનેટિવ રોક બૅન્ડ છે જેને સિંગર ક્રિસ માર્ટિન અને ગિટારવાદક જોની બકલેન્ડે વર્ષ 1996માં બનાવ્યું હતું. આ બેન્ડમાં મુખ્ય ચાર આર્ટિસ્ટ છે. આ ચારના નામ ક્રિસ માર્ટિન, ગાયે બેરીમેન, જોની બકલૅન્ડ, વિલ ચેમ્પિયન છે.
તમને જણાવી દઈએ કે, કોલ્ડપ્લેના 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં બે શો અને 21 જાન્યુઆરીએ નવી મુંબઈમાં એક શો થયો હતો. ત્યારબાદ 25 અને 26 જાન્યુઆરીએ તેમનો અમદાવાદમાં કોન્સર્ટ થયો હતો.