PM મોદીએ સનાતન વિરોધી નિવેદન પર આપ્યો જવાબ, ઈન્દિરા ગાંધીની રૂદ્રાક્ષ માળાનો કર્યો ઉલ્લેખ
રૂદ્રાક્ષ પહેરનાર ઈન્દિરા ગાંધીની પાર્ટી સનાતન વિરુદ્ધ શા માટે ઝેર ઓંકી રહી છે : PM મોદી
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો મોટો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને હિંદુત્વ, રૂદ્રાક્ષની માળા પહેરવા અને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા સંબંધિત અનેક સવાલોના જવાબ આપ્યા છે. સનાતન ધર્મ (Sanatan Dharma)ના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) રૂદ્રાક્ષ પહેરીને ફરતા હતા, પરંતુ તેમની પાર્ટી સનાતન વિરુદ્ધ શા માટે ઝેર ઓંકી રહી છે.
‘કોંગ્રેસ સનાતન વિરુદ્ધ ઝેર ઓંકનારાઓ સાથે બેઠી’
તેમણે કહ્યું કે, ‘જે કોંગ્રેસ (Congress) સાથે ગાંધીજીનું નામ જોડાયેલું હતું. ઈન્દિરાજી રુદ્રાક્ષની માળા પહેરીને ફરતા હતા, ત્યારે કોંગ્રેસને પૂછવું જોઈએ કે, તમારી એવી તો શું મજબૂરી છે કે, તમે સનાતન વિરુદ્ધ ઝેર ઓંકનારાઓ સાથે બેઠા છો? શું તમારી રાજનીતિ અધૂરી રહી ગઈ છે? કોંગ્રેસ, આ કેવા પ્રકારની વિકૃતિ આવી રહી છે તે ચિંતાનો વિષય છે. કદાચ DMKનો જન્મ સનાતન વિરોધી નફરતમાંથી જ થયો હતો. હવે લોકો તેમના નફરતના ખેલનો અસ્વિકાર કરી રહ્યા છે, તેથી જ તેઓ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.’
‘કોંગ્રેસે પોતાનું મૂળ કેરેક્ટર ગુમાવી દીધું છે’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘અહીં સવાલ ડીએમકેનો નથી, સવાલ કોંગ્રેસ જેવી પાર્ટીનો છે... તેમણે પોતાનું મૂળ કેરેક્ટર ગુમાવી દીધું છે. જ્યારે બંધારણ સભામાં લોકો બેઠા હતા ત્યારે તેમાંના મોટાભાગના કોંગ્રેસી વિચારધારાના લોકો હતા. જ્યારે પ્રથમ બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે તેના પ્રથમ પેજ પરના ચિત્રો સનાતન પરંપરા સાથે સંબંધિત છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે તેમાં સનાતન ગૌરવનો એક ભાગ હતો. ત્યારે આજના સમયમાં જે લોકો સનાતન અંગે ભયંકર અપશબ્દો બોલી રહ્યા છે, તેમની સાથે જ તેઓ (કોંગ્રેસ) મંચ શેર કરી રહી છે. કોંગ્રેસની મજબૂરી છે અને આ દેશ માટે ચિંતાનો વિષય છે.