આંધ્ર પ્રદેશને મળી રિટર્ન ગિફ્ટ: જુઓ બજેટમાં હજારો કરોડની જાહેરાતો બાદ શું બોલ્યા ચંદ્રાબાબુ નાયડુ
Budget 2024 On Andhra Pradesh : કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0 ના પહેલા બજેટના વખાણ કર્યા છે, તો વિપક્ષ બજેટને નિરાશાજનક કહ્યું છે. પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ચંદ્રાબાબુ નાયડુને રિટર્ન ગિફ્ટ આપી છે. કેન્દ્રએ તેમના માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. આવો જાણીએ મોદી સરકાર આંધ્ર પ્રદેશ પર કેમ આટલી મહેરબાન છે?
આંધ્ર પ્રદેશને મળ્યું આર્થિક પેકેજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આંધ્ર પ્રદેશને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, "આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે." કેન્દ્ર સરકારે રાજ્યની મૂડીની જરૂરિયાતોને સ્વીકાર કરીને તે અંતર્ગત બજેટમાં આંધ્ર પ્રદેશ માટે 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટથી ખેડૂતોને ફાયદો થશે
નિર્મલા સીતારમણે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે "સરકાર આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણ કે આ પ્રોજેક્ટ દ્વારા ત્યાંના ખેડૂતોને મોટો ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે. ઉપરાંત, આંધ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. અને તેના માટે સરકાર પાણી, વીજળી, રેલ્વે અને રસ્તા જેવી આવશ્યક સુવિધાઓ માટે બજેટ ફાળવશે.
મોદી સરકાર આંધ્ર પ્રદેશ પર કેમ આટલી મહેરબાન?
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા બાદ કેન્દ્રમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડાથી દૂર હતી. તેથી સરકાર રચવા માટે ભાજપાએ ઘટક પક્ષો ટીડીપી અને જેડીયુના સપોર્ટથી મોદી 3.0 સરકાર બનાવવામાં આવી હતી. ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર મોદી સરકાર પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા. અને તેની અસર આ વખતના બજેટ 2024માં જોવા મળી છે. સરકાર દ્વારા આ બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર માટે સ્પેશિયલ જાહેરાતો કરવામાં આવી છે.
બજેટ પર શું બોલ્યા ચંદ્રાબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રાબાબુ નાયડુએ સોશિયલ મીડિયા એપ X પર પોસ્ટ કર્યું, "આંધ્ર પ્રદેશના લોકો વતી હું વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માનું છું, કે અમારા રાજ્યની જરૂરિયાતોને ઓળખીને નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટમાં રાજધાની, પોલાવરમ, ઔદ્યોગિક વસાહતો અને પછાત વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્રની આ મદદ આંધ્ર પ્રદેશના પુનઃનિર્માણમાં વિશેષ મદદરૂપ સાબિત થશે. હું આ પ્રગતિશીલ અને આત્મવિશ્વાસ વધારતું પ્રેરણાદાયક બજેટ રજૂ કરવા બદલ તમને અભિનંદન આપું છું."