PM મોદી, રાહુલ ગાંધી અને ગૃહમંત્રી શાહની મહત્ત્વની બેઠક, આગામી CEC મુદ્દે થઈ ચર્ચા: જાણો પ્રક્રિયા
Panel to elect new Chief Election Commissioner meets : ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં નવા ચૂંટણી કમિશ્નર(Chief Election Commissioner)ની નિયુક્તિ માટેની કવાયત શરુ થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી. બેઠકમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા. એક તરફ જ્યાં રાહુલ ગાંધી બેઠકમાં સામેલ હતા ત્યાં બીજી તરફ આ જ મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીની પ્રક્રિયા મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે, કે 'CEC અને ECની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIની સમિતિ દ્વારા થવી જોઈએ. CECને લઈને સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને પસંદગીની પ્રક્રિયામાં માત્ર કાર્યપાલિકા નહીં ન્યાયપાલિકા પણ સામેલ હોવી જોઈએ.'
અગાઉ શું પ્રક્રિયા હતી?
નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC)ની પસંદગી માટેની કમિટીમાં વડાપ્રધાન અને વિપક્ષ નેતાની સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI પણ સામેલ થતા હતા. જોકે કેન્દ્ર સરકારે આ મુદ્દે નવો કાયદો લઈને આવી અને તેમાંથી CJIને હટાવી દેવામાં આવ્યા.
નવા કાયદા પ્રમાણે CECની પસંદગીની પ્રક્રિયા
નવા કાયદા પ્રમાણે પહેલા કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી પાંચ ઉમેદવારોના નામની યાદી તૈયાર કરશે. પછી આ યાદી વડાપ્રધાન, વિપક્ષ નેતા તથા વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા કોઈ પણ એક કેબિનેટ મંત્રીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને આ ત્રણ નેતાઓ એક નામ પર મહોર લગાવશે. આમ આ વખતે કમિટીમાં વડાપ્રધાન મોદી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહની કમિટી બની છે અને આજે આ ત્રણેય નેતાઓ બેઠકમાં સામેલ હતા.
મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીનો મુદ્દો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો, કે 'નિયમો બદલી નાંખવામાં આવ્યા. અગાઉ ચૂંટણી કમિશ્નરની પસંદગીમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJI ત્રણેય સામેલ થતા હતા. CJIને કમિટીમાંથી શા માટે હટાવી દેવામાં આવ્યા?'
ચૂંટણી પંચમાં મુખ્ય ત્રણ અધિકારી હોય છે જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા બે ચૂંટણી કમિશ્નર હોય છે. વરિષ્ઠતા પ્રમાણે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર બાદ જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ છે.