વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર ઍરપૉર્ટ પર રોકવું પડ્યું પ્લેન
PM Modi Plane Faces Technical Problem : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને ઝારખંડના દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનને દેવઘર ઍરપૉર્ટ પર જ રોકવું પડ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાના 150માં જ્યંતી વર્ષના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને આજે જમુઈ જિલ્લામાં જનસભાને સંબોધી હતી.
ઝારખંડમાં રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર રોકી દેવાયું
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે (15 નવેમ્બર 2024) રોકી દેવાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ક્લિયરન્સ ન મળવાના કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી નથી મળી. રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામામાં રોકી દેવાયું છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, 'રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને અંદાજિત પોણા ત્રણ કલાક રોકવામાં આવ્યું. જણાવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન મોદી પણ આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. તેમની ચકાઈમાં જનસભા છે. જેના કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી નથી મળી.'