PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી વિશેષ પૂજા-અર્ચના, ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ
Image Source: Twitter
અમરાવતી, તા. 27 નવેમ્બર 2023 સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી, જેની તસવીર પીએમ મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરી છે, પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, '140 કરોડ ભારતીયોની ખુશહાલી અને શ્રેષ્ઠ આરોગ્યની ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.
પીએમ મોદીનો રોડ શો સાંજે 4 વાગ્યે શરૂ થશે અને આરટીસી ક્રોસરોડથી શરૂ થઈને કાચેગુડા ક્રોસરોડ સુધી જશે. તેના પહેલા બપોરે 12 વાગ્યે પીએમ મોદી મહબૂબાબાદ અને 2 વાગે કરીમનગરમાં જનસભાને સંબોધિત કરશે. ગત રવિવારની સાંજે પીએમ મોદી આંધ્ર પ્રદેશના તિરુપતિ પહોંચ્યા, જ્યાં રાજ્યપાલ એસ અબ્દુલ નજીર અને મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યુ. મળતી માહિતી અનુસાર પીએમ મોદી સાંજે લગભગ 8 વાગે તિરુપતિની પાસે રેનિંગુટા એરપોર્ટ પર ઉતર્યા.પીએમ મોદી રોડ માર્ગે તિરુમાલા પહોંચ્યા તો રસ્તામાં દરેક સ્થળે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને ફૂલ વરસાવીને તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ રોડના કિનારે ઊભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું.
ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરે તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણાથી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. આ ચારેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણામાં આજે પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહના પણ ઘણા ચૂંટણી પ્રવાસ છે.