'તેમનું બલિદાન રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા આપે છે': મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીનું બલિદાન લોકોની સેવા કરવા અને તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે પ્રેરણા આપે છે.
PM મોદી રાજઘાટ પહોંચ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, હું પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. હું એ તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જે આપણા દેશ માટે શહીદ થયા છે. તેમનું બલિદાન આપણને લોકોની સેવા કરવા માટે અને રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે પ્રેરણા આપે છે.
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને દેશવાસીઓના હૃદયમાં સ્વદેશીની ભાવના જગાડનારા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમને શત શત નમન. ગાંધીજીના શાંતિ અને સંવાદિતાના સંદેશ આજે પણ પ્રાસંગિક છે. અને તેમના વિચારો હંમેશા દેશવાસીઓને રાષ્ટ્ર પ્રત્યે બલિદાન આપવા માટે અને સમર્પિત થવા માટે પ્રેરણા આપે છે.
જે.પી. નડ્ડાએ શ્રદ્ધાંજલિ આપી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે બાપુએ બતાવેલો માર્ગ દરેક યુગમાં પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતા દ્વારા ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર હું તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમના દ્વારા બતાવેલ માર્ગ. તેમના આદર્શો અને વિચારો હંમેશા આપણને પ્રેરણા આપતા રહેશે.