રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બાદ આવ્યું વડાપ્રધાન મોદીનું રિએક્શન, કહ્યું- 'AIનો દુરુપયોગ...'
ડીપફેક સમાજમાં અરાજકતા પેદા કરે છે : PM મોદી
PM Modi On Deepfakes : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે. એવામાં આ ટેકનોલોજીના ઘણા ફાયદા સાથે કેટલા દુરુપયોગ પણ એક ચિંતાનો વિષય છે. તાજેતરમાં રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જે અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી.
ડીપફેક વીડિયો એક ચિંતાનો વિષય
વડાપ્રધાન મોદીએ ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગને મોટી ચિંતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, ChatGpt ટીમને ડીપફેક વીડિયોને રીપોર્ટ કરવા જોઈએ અને આવા વીડિયો ઈન્ટરનેટ પર સર્ક્યુલેટ કરવામાં આવે ત્યારે ચેતવણી આપવી જોઈએ.
વાયરલ ગરબાના વીડિયો વિશે બોલ્યા મોદી
આગળ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય સિસ્ટમ સામેના સૌથી મોટા ખતરામાંથી એક ડીપફેક્સ છે. ડીપફેક સમાજમાં અરાજકતા પેદા કરે છે. લોકો અને મીડિયાએ ડીપફેક્સ અંગે ખૂબ જ ચેતીને રહેવાની જરૂર છે. જનરેટિવ AI દ્વારા તૈયાર થતા ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જરૂરી છે. આ સિવાય PM મોદીએ એક વાયરલ ગરબાના વીડિયો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું અને તે ખૂબ જ વાસ્તવિક લાગતો હતો, જોકે મેં બાળપણથી ગરબા નથી રમ્યા.