Get The App

નવાબો વિશે તો મોં પર તાળું લાગી જાય છે: રાજા-મહારાજા મુદ્દે PM મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
નવાબો વિશે તો મોં પર તાળું લાગી જાય છે: રાજા-મહારાજા મુદ્દે PM મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા (સાતમી મે)ના મતદાન માટે રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા- મહારાજાઓ અંગેના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે.'

PM મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબો યાદ નથી. નવાબો વિશે તો તેમના મોં પર તાળું લાગી જાય છે. આ માનસિકતા છે, કોંગ્રેસના ઢંઢેરામાં દેખાય છે.'

કોંગ્રેસને ભારતની દરેક સફળતાથી શરમ અનુભવવા લાગી છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસે ઈવીએમના બહાને ભારતની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. 10 વર્ષમાં ભારત વધુ શક્તિશાળી બન્યું છે. ભારતને લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. જ્યારે ભારત પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. કોંગ્રેસ દેશના હિતથી એટલી દૂર થઈ ગઈ છે, પરિવારના હિતમાં ખોવાઈ ગઈ છે, દેશની પ્રગતિ સારી દેખાતી નથી. કોંગ્રેસને ભારતની દરેક સફળતાથી શરમ અનુભવવા લાગી છે.

રાહુલ ગાંધીનું રાજા-મહારાજા પર નિવેદન

ઉલ્લેખનીય છે કે, શનિવારે (27મી એપ્રિલ) રાહુલ ગાંધીએ કર્ણાટક (Karnataka)માં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.' 

નવાબો વિશે તો મોં પર તાળું લાગી જાય છે: રાજા-મહારાજા મુદ્દે PM મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર 2 - image


Google NewsGoogle News