ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું...: પ્રજ્વલ રેવન્ના કેસમાં પહેલીવાર પીએમ મોદીનો જવાબ
Karnataka Sex Scandal Case: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના જેવી વ્યક્તિ માટે ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઈએ. તેમણે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર વોક્કાલિગા પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાં ચૂંટણી પૂરી થયા બાદ JD(S) સાંસદને દેશ છોડવા દેવા અને વાંધાજનક સેક્સ વીડિયો જાહેર કરવાનો આરોપ લગાવ્યો.
આ મામલે પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારની છે
વડાપ્રધાને તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ મામલે પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારની છે કારણ કે આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. હજારો વીડિયો જોતા લાગે છે કે જ્યારે જનતા દળ (સેક્યુલર) કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હતું આ તે સમયની વાત છે. આ વીડિયો જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે એકત્રિત કરવામાં આવ્યા હતા અને વોક્કાલિગા સમુદાયે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યા પછી ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવ્યા હતા.
આપણે તેને પાછા લાવીને કડક કાર્યવાહી કરવી જોઈએ
આ ઘટનાક્રમને અત્યંત શંકાસ્પદ ગણાવતા વડા પ્રધાને કહ્યું હતું કે રેવન્નાને દેશની બહાર મોકલ્યા પછી આ વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. જો રાજ્ય સરકાર પાસે માહિતી હતી તો તેણે એરપોર્ટ પર નજર રાખવી જોઈએ અને તકેદારી રાખવી જોઈતી હતી. ભારત સરકારને જાણ કરવામાં આવી ન હતી. મતલબ કે આ એક રાજકીય રમત હતી અને તેઓ જાણે છે કે આ વીડિયો તે સમયના છે જ્યારે તેઓ ગઠબંધનમાં હતા અને તેમણે આ વીડિયો એકઠા કર્યા હતા.
જો કે, આ મારો મુદ્દો નથી, મારો મુદ્દો એ છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં ન આવે. આપણા દેશમાં આ પ્રકારની રમતો બંધ થવી જોઈએ. તેમણે કહ્યું, 'જ્યાં સુધી મોદીનો સંબંધ છે, જ્યાં સુધી ભાજપનો સંબંધ છે, જ્યાં સુધી આપણા બંધારણનો સંબંધ છે, મારો સ્પષ્ટ મત છે કે આવા લોકો સામે ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ. ઉપલબ્ધ તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરીને કડક સજા થવી જોઈએ.'