VIDEO: કન્યાકુમારીમાં PM મોદીની સાધના: સુરક્ષા માટે 3000 જવાનો તહેનાત, માછીમારી પર પ્રતિબંધ
Lok Sabha Elections 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને રોક મેમોરિયલની આસપાસનો વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચી ગયા છે. તેમણે અહીં ભગવતી અમન મંદિરમાં પૂજા કરી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીની સુરક્ષા માટે 3000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના યુદ્ધ જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી જૂથના જહાજ પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત છે. આજ (30મી મે) સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.
કન્યાકુમારીમાં વાહનોનું સઘન ચેકિંગ
કન્યાકુમારી પહોંચી રહેલા તમામ પ્રવાસીઓ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરી રહ્યા છે. પ્રવાસીઓને રોક મેમોરિયલ પર લઈ જતી ફેરી પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરૂ થશે.
સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી સાધના કરી હતી
રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. એવી માન્યતાઓ છે કે જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં રોક મેમોરિયલનું સ્થાન રહ્યું હતું. સ્વામી વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી સાધના કરી હતી. અહીં જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. કહેવાય છે કે અહીં જ વડાપ્રધાન મોદી 30મી મેથી પહેલી જૂન સુધી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતના સપનાંને સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે.