નવી સરકારમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર સહિતના આ 20 દિગ્ગજનું પત્તું કપાયું, મોદી 2.0માં હતો દબદબો
Narendra Modi Oath Ceremony : નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બની ઈતિહાસ રચવાના છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા શપથગ્રહણની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમારોહમાં સામેલ થવા દેશના નેતાઓ ઉપરાંત વિદેશના નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે. આ ઉપરાંત જે સાંસદોને ફોન પહોંચ્યો છે, તેઓ ખુશી વ્યક્ત કરી શપથની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 20 સાંસદો એવા છે, જેઓ અગાઉ મોદી 2.0 સરકારમાં હતા, પરંતુ આ વખતે તેમનું પત્તુ કપાયું છે. આમાં સૌથી ચોંકાવનારું નામ સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનું છે.
20 દિગ્ગજનું પત્તું કપાયું
શપથગ્રહણ સમારોહની ધમધોકાટ તૈયારીઓ વચ્ચે ભાજપના તે 20 દિગ્ગજ નેતાના નામ સામે આવ્યા છે, જેમણે મોદી 2.0માં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ આ વખતે તેમનું નામ મોદી 3.0ની યાદીમાંથી ગાયબ છે. મળતા અહેવાલો મુજબ આ 20 સાંસદોને ફોન પણ કરાયો નથી અને તેઓ વડાપ્રધાન આવાસ પર યોજાયેલી બેઠકમાં સામેલ પણ થયા નથી. આ 20માંથી કેટલાક નામ એવા પણ છે, જેઓ ચૂંટણી હારી ગયા છે.
આ નેતાઓનું પત્તું કપાયું
- અજય ભટ્ટ
- સાધ્વી નિરંજન જ્યોતિ
- મીનાક્ષી લેખી
- રાજકુમાર રંજન સિંહ
- જનરલ વી.કે. સિંહ
- આર.કે. સિંહ
- અર્જુન મુંડા
- સ્મૃતિ ઈરાની
- અનુરાગ ઠાકુર
- રાજીવ ચંદ્રશેખર
- નિશીથ પ્રમાણિક
- અજય મિશ્રા ટેની
- સુભાષ સરકાર
- જૉન બારલા
- ભારતી પવાર
- અશ્વિની ચૌબે
- રાવસાહેબ દાનવે
- કપિલ પાટીલ
- નારાયણ રાણે
- ભાગવત કરાડ
વડાપ્રધાન નિવાસે યોજાયેલી બેઠકમાં આ સાંસદો હાજર હતા
ઉલ્લેખનીય છે કે, જ્યારેથી એનડીએના નેતાઓએ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે, ત્યારથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત સહિતના રાજ્યોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ ક્રમમાં થોડા દિવસે પહેલા જે.પી. નડ્ડાના નિવાસસ્થાને શિંદેની શિવસેના, અજિતની એનસીપી સહિતના નેતાઓની બેઠક યોજાઈ હતી. બીજી તરફ વડાપ્રધાન નિવાસ સ્થાને પણ બેઠકોનો દોર જોવા મળ્યા હતો. શપથગ્રહણ પહેલા વડાપ્રધાન આવાસે 22 સાંસદો પહોંચ્યા હતા, જેમાં સર્બાનંદ સોનોવાલ, ચિરાગ પાસવાન, અન્નપૂર્ણા દેવી, મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, ભગીરથ ચૌધરી, કિરેન રિજિજુ, જિતિન પ્રસાદ, એચ.ડી. કુમારસ્વામી, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, રવનીત બિટ્ટુ, અજય ટમટા, રાવ ઈન્દ્રજીત સિંહ, નિત્યાનંદ રાય, જીતન રામ માંઝી, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, હર્ષ મલ્હોત્રા, એસ. જયશંકર, સી.આર. પાટીલ, કૃષ્ણપાલ ગુર્જર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.