વડાપ્રધાન અને સાંસદોના શપથમાં શું ફર્ક હોય છે, વડાપ્રધાન અને મંત્રીઓ કેમ બે વાર શપથ કેમ લે છે?

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન અને સાંસદોના શપથમાં શું ફર્ક હોય છે, વડાપ્રધાન અને મંત્રીઓ કેમ બે વાર શપથ કેમ લે છે? 1 - image


PM Modi Oath Ceremony: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે. એનડીએની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. હવે નવમી જૂને સાંજે વડાપ્રધાન અને મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. ત્યારે કોઈને સવાલ થઈ શકે છે કે, શું વડાપ્રધાનના અને સાંસદોના શપથમાં ફર્ક હોય છે? વડાપ્રધાન કેમ બે વાર શપથ લે છે? તો ચાલો આ સવાલોના જવાબ મેળવીએ.

વડાપ્રધાન અને સાંસદના શપથમાં શું તફાવત હોય છે?

બંધારણ મુજબ વડાપ્રધાન અને મંત્રીઓને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ વડાપ્રધાન અને મંત્રીઓને શપથ લેવડાવશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે અને મંત્રીમંડળના સભ્યો કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે. 

આ શપથના ફોર્મેટ સાંસદોના શપથના ફોર્મેટથી અલગ હોય છે. આ બધા જ નેતાઓ બંધારણ મુજબ કામ કરવાના શપથ લે છે, પરંતુ વડાપ્રધાન અને મંત્રીઓ હોદ્દાની ગરિમાના પણ શપથ લે છે. સંસદના સભ્યો પોતાને ગૃહમાં ચૂંટાવા બંધારણ પ્રત્યે આસ્થા રાખવા અને તેમના પદ મુજબ કર્તવ્યોનું પાલન કરવાના શપથ લે છે. જો કે વડાપ્રધાન કે કોઈપણ મંત્રી જે લોકસભાના સભ્ય નથી અને ગૃહની કાર્યવાહી ચાલતી હોય તો સભ્યોના સવાલના જવાબ આપવા માટે મંત્રી ગૃહમાં ઉપસ્થિત રહી શકે છે કારણ કે બંધારણ અનુસાર મંત્રીમંડળ લોકસભા (અને રાજ્યસભા) પ્રત્યે જવાબદાર હોય છે.

લોકસભામાં ચૂંટાઈને આવેલા દરેક સભ્યે શપથ લેવા પડે છે

સાંસદોની શપથવિધિ રાષ્ટ્રપતિના નેતૃત્વ હેઠળ થાય છે. બંધારણના અનુચ્છેદ 99 મુજબ લોકસભા ગૃહમાં સ્થાન ગ્રહણ કર્યા પહેલા રાષ્ટ્રપતિ કે તેમનાં દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ સમક્ષ બંધારણની ત્રીજી અનુસૂચિમાં આપેલ ફોર્મેટ મુજબ શપથ લેવડાવાય છે. વડાપ્રધાન અને કોઈ પણ મંત્રીએ શપથવિધિ વખતે ગૃહના સભ્ય હોવું જરૂરી નથી. એટલે કે વડાપ્રધાન કે મંત્રી બનવા માટે લોકસભામાં ચૂંટાઈ આવવું જરૂરી નથી અને ન તો રાજ્યસભાના સભ્ય હોવું જરૂરી છે, પરંતુ હોદ્દાના શપથ લીધા બાદ વડાપ્રધાન કે કોઇ પણ મંત્રીએ છ મહિનાની અંદર સાંસદ તરીકે કોઇ પણ એક ગૃહમાં ચૂંટાઈને આવવું ફરજિયાત છે.

લોકસભા સભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવે છે

નવી લોકસભાની રચના પહેલા એટલે કે નવી લોકસભાની પહેલી બેઠક પહેલા જૂના સ્પીકર રાજીનામું આપી દે છે. એટલે કે લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષપદે કોઈ હોતું જ નથી. તેમની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 95(1) અનુસાર ચૂંટાઈને આવેલા નવા સભ્યોમાંથી કોઈ એકને લોકસભાની પહેલી બેઠક માટે પ્રોટેમ સ્પીકર એટલે કે અસ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટીને શપથ લેવડાવે છે.

નવા સ્પીકરની ચૂંટણી બાદ પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ રદ 

પરંપરાગત રીતે ગૃહમાં ચૂંટાયેલા સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરાય છે. પ્રોટેમ સ્પીકર જ ગૃહની સૌપ્રથમ બેઠકનું સંચાલન કરે છે અને બીજા અન્ય સભ્યોને શપથ લેવડાવે છે. જો કોઈ સંજોગોમાં કોઈ સભ્ય પહેલી બેઠકમાં શપથ ના લઇ શકે, તો તે પછી પણ શપથ લઇ શકે છે. આ માટે તેમણે લોકસભાના મહાસચિવને જાણ કરવાની હોય છે અને લોકસભાના નવા અધ્યક્ષ ચૂંટાયા બાદ પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ રદ થઈ જાય છે.


Google NewsGoogle News