ભારતના આ 'કિલર' રોકેટ પર ફ્રાન્સની નજર, PM મોદી સાથેની બેઠકમાં ડીલની માંગ કરી શકે છે મેક્રોન
India-France Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆઈ એક્શન સમિટમાં સામેલ થવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ બાદ તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ 2047 માટે ભારત-ફ્રાન્સની રાજકીય ભાગીદારીના રોડમેપ પર ચર્ચા કરશે. આ ચર્ચામાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદી સાથે ભારતના મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ પિનાકા માટે ડીલ કરી શકે છે. આ ડીલ સાથે ભારતને હથિયારોનો પૂરવઠો પૂરો પાડનારો બીજો સૌથી મોટો દેશ ફ્રાન્સ પ્રથમ વખત ભારત પાસેથી હથિયાર કરશે.
ડિફેન્સની નિકાસ પર ફોકસ
ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનારા દેશ છે. પરંતુ મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્થાનિક સ્તરે જ હથિયારોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડિફેન્સ નિકાસમાં સતત વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વિયેતનામ, ફિલિપિન્સ બાદ ઈન્ડોનેશિયા પણ ભારત સાથે ડિફેન્સ ડીલ કરવા માગે છે. ફ્રાન્સે પણ ભારતના પિનાકા રોકેટ સિસ્ટમમાં રૂચિ દર્શાવી છે.
ફ્રાન્સ પિનાકા માટે ડીલ કરવા તૈયાર
ભારતના ડીઆરડીઓમાં મિસાઈલ્સ એન્ડ સ્ટ્રેટેજિક સિસ્ટમ્સના ડિરેક્ટર જનરલ ઉમ્માલેની રાજા બાબૂએ જણાવ્યું હતું કે, 'ફ્રાન્સ પિનાકા માટે વાતચીત કરવા સક્રિયપણે તૈયાર છે. ત્રણ મહિના પહેલાં ફ્રાન્સથી આવેલા એક ડેલિગેશને પિનાકા રોકેટ સિસ્ટમ જોઈ હતી. જે તેમને પસંદ આવી હતી. એઆઈ સમિટ બાદ બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.'
પિનાકા રોકેટ સિસ્ટમની ખાસિયત
પિનાકાનું નામ ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ પરથી રાખવામાં આવ્યું છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત આ રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરે છે. અર્થાત 4 સેકન્ડમાં એક રોકેટ છોડે છે. દુશ્મનને નષ્ટ કરવા માટે આ શ્રેષ્ઠ હથિયાર છે. જેની રેન્જ સાત કિમીથી માંડી 90 કિમી દૂર બેઠેલા દુશ્મનને ખતમ કરવાની છે. આ રોકેટ લોન્ચરના ત્રણ વેરિયન્ટ ઉપલબ્ધ છે. MK-1 જે 45 કિમી સુધી ટાર્ગેટ કરી શકે છે. ત્યારબાદ MK-2 જે 90 કિમી સુધઈ દુશ્મનને ટાર્ગેટ કરી શકે છે. MK-3 લોન્ચર હજી નિર્માણ હેઠળ છે. જે 300 કિમી સુધી ટાર્ગેટ કરી શકે છે. પિનાકા સટીક હુમલો કરવાની ક્ષમતા ધરાવતું હોવાથી તેને સૌથી એડવાન્સ્ડ આર્ટિલરી રોકેટ સિસ્ટમમાં સામેલ કરાયુ છે.
સ્પીડ 5757.70 કિમી પ્રતિ કલાક
આ પિનાકા રોકેટની ઉપર હાઈ એક્સ્પ્લોસિવ ફ્રેગમેન્ટેશન, ક્લસ્ટર બોમ્બ, એન્ટી-પર્સનલ, એન્ટી-ટેન્ક અને બોમ્બ એક્સ્પ્લોસિવ સુરંગ ઉડાવતાં હથિયારો લગાવી શકાય છે. તે 100 કિગ્રા સુધી હથિયાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. જેની સ્પીડ 5757.70 કિમી પ્રતિ ક્લાક છે. જે એક સેકન્ડમાં 1.61 કિમીની સ્પીડે હુમલો કરે છે.