Get The App

PM મોદીના મતવિસ્તાર વારાણસીમાં 'ભરોસાની ભેંસે પાડો જણ્યો', પાટીલ સામે જ ઊઠ્યાં સવાલો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
PM મોદીના મતવિસ્તાર વારાણસીમાં 'ભરોસાની ભેંસે પાડો જણ્યો', પાટીલ સામે જ ઊઠ્યાં સવાલો 1 - image


Lok Sabha Election Result 2024: ઈલેક્શન મેનેજમેન્ટના માહિર હોવાનો દાવો કરતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્યોને એક લાખની લીડનો લક્ષ્યાંક આપી 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા ડંફાસ મારી હતી.પણ આ જ સી.આર.પાટીલ વારાણસીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનજનક લીડ પણ અપાવી શક્યા નહીં. 

પાટીલે પોતાની લીડ વધારવા નવસારીમાં એડીચોટીનું જોર લગાવ્યું 

પાટીલે ખુદ પોતાની લીડ વધારવા નવસારીમાં એડીચોટીનું જોર લગાવી દીધુ પણ વારાસણીમાં નરેન્દ્ર મોદીની લીડ વધે તે દિશામાં ધ્યાન જ આપ્યુ ન હતું પરિણામે વડાપ્રધાન માત્રને માત્ર દોઢ લાખની લીડથી જીત્યા હતા. ટૂંકમાં, પાટીલ ઉપરાંત ટીમ ગુજરાત પર મોદીને ભરોસો મૂકવો ભારે પડ્યો હતો. 

વારાણસી બેઠક પર પ્રચાર અને મતદાનની જવાબદારી પાટીલને સોંપી હતી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પુરી થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પર પ્રચારથી માંડીને મતદાન સુધીની જવાબદાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી હતી. આ ઉપરાંત પાટીલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ વારાસણી મોકલ્યા હતા. 

પાટીલે સ્થાનિક નેતા-કાર્યકરો પર વટ પાડવા સિવાય કઈ કર્યું નહી 

પરંતુ પાટીલે વારાણસીમાં મોદીના નામે સ્થાનિક નેતા-કાર્યકરો પર વટ પાડવા સિવાય કઈ કામ જ કર્યું નહી. હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ પ્રચારના નામે માત્ર રોલા પાડ્યાં, ગંગા આરતી નિહાળીને વારાણસીની હોટલ-રિસોર્ટમાં આરામ જ ફરમાવ્યો હતો. 

વડાપ્રધાને તાકીદે અમિત શાહને વારાણસી દોડાવ્યા હતા

આખરે સ્થિતી એવી થઈ કે, સ્થાનિક નેતાઓએ નરેન્દ્ર મોદીને સાચી સ્થિતીથી વાકેફ કર્યા હતાં પરિણામે વડાપ્રધાને તાકીદે અમિત શાહને વારાણસી દોડાવ્યા હતા. અમિત શાહે સ્થાનિક નેતાથી માંડીને સંગઠનના નેતાઓને રીતસર ક્લાસ કઈને બધાને દોડતા કર્યા હતા. 

ભાજપના કાર્યકરોને ચૂંટણીનું કામ કરવામાં જરાય રસ ન હતો

આ કારણોસર જ નરેન્દ્ર મોદી દોઢ લાખ માટે જીતી શક્યા હતા. બાકી પાટીલે એવી દશા કરી હતી કે, વારાણસી બેઠક પર ભાજપના કાર્યકરોને ચૂંટણીનું કામ કરવામાં જરાય રસ ન હતો. જો વડાપ્રધાનનું સમયસર ધ્યાન દોરાયું ન હોત તો કદાચ નરેન્દ્ર મોદીની લીડ 50 હજાર હોત. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં મોદીને 4,79,505 મતની લીડ મળી હતી. 

પાટીલે વારાણસીને રેઢું મૂકી દીધુ હતુ

આ મુદ્દે ભાજપમાં જ ગણગણાટ છે કે, પાટીલે નવસારીમાં ભરપૂર પ્રચાર કરીને પોતાની લીડ 7 લાખથી વધુ વધારી દીધી પણ જેને પ્રચારની ધુરા સંભાળી તે નરેન્દ્ર મોદી માટે પાટીલે વારાણસીને રેઢું મૂકી દીધું હતુ. જેથી વડાપ્રધાન યુપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજ્યરાય સામે માત્ર દોઢ લાખની સરસાઈથી બીજેતા થયા. બીજી તરફ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના વિપક્ષના ઘણા નેતા ત્રણ-ચાર લાખની લીડથી જીત્યા હતા. 

મોદીને 10 વર્ષમાં આવી સ્થિતિ જોવી પડી

પક્ષમાં ચર્ચા એવી પણ છે કે, મોદીએ જેમને ટાર્ગેટ બનાવ્યા તે રાહુલ ગાંધીએ રાયબરેલીમાં 3.90 લાખની સરસાઈ મેળવી છે. જે નોંધનીય છે અને પક્ષના સર્વોચ્ચ નેતા અને ચૂંટણી પ્રચારનો મુખ્ય ચહેરો એવા મોદીને 10 વર્ષમાં આવી સ્થિતિ જોવી પડે તો તેના માટે કોણ જવાબદાર?

રેકોર્ડબ્રેક લીડને બદલે માત્ર દોઢ લાખની લીડ મળી 

રેકોર્ડબ્રેક લીડને બદલે માત્ર દોઢ લાખની લીડથી જીત્યા બાદ હવે વડાપ્રધાન મોદી સી. આર. પાટીલને મંત્રીપદ આપીને શિરપાવ આપશે કે પછી..તે અંગે ચર્ચા ચાલી રહી છે. આમ, ગુજરાતમાં મંત્રી-ધારાસભ્યોને લીડનો લક્ષ્યાંક આપનારા પાટીલ ખુદ વડાપ્રધાન મોદીને લીડ અપાવી શક્યા નહિ.  

PM મોદીના મતવિસ્તાર વારાણસીમાં 'ભરોસાની ભેંસે પાડો જણ્યો', પાટીલ સામે જ ઊઠ્યાં સવાલો 2 - image


Google NewsGoogle News