વૈદિક મંત્રોચ્ચાર સાથે PM મોદીએ કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો, 5 એકરમાં બનશે ભવ્ય પરિસર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હાજર રહ્યા
image : Twitter |
Kalki Dham and PM Modi | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હાજર રહ્યા હતા.
કોણ બનાવશે આ મંદિર?
આ મંદિરને શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવશે જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશભરમાંથી 11000 થી વધુ સાધુ સંતો સંભલ પહોંચ્યા હતા. અનેક ધાર્મિક નેતા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ મંદિર શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેવું હશે આ ભવ્ય મંદિર?
શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે. તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. આ મંદિરનું નિર્માણ પણ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરો વડે કરવામાં આવશે. સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામમંદિર પણ બંસી પહાડપુરના પથ્થરોનું બનેલું છે. મંદિરનું શિખર 108 ફૂટ હશે. જેમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે. શ્રી કલ્કી ધામ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના વિગ્રહ સ્થાપિત કરાશે.
જે સારા કામ રહી ગયા છે તે આવતી વખતે પૂરાં કરીશ: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે તમારો આશીર્વાદ જળવાઈ રહેવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવા કામ કરતો રહું. જે સારા કામ રહી ગયા છે તે આવતી વખતે ચોક્કસ પૂરાં કરીશ.
આ દરમિયાન આડકતરી રીતે અગાઉની સરકાર સામે નિશાન તાકતાં તેમણે કહ્યું હતું કે કેટલાંક લોકો મારા માટે આ સારા કામ છોડી ગયા હતા જેને હવે હું પૂરાં કરી રહ્યો છું. કલ્કી ધામમાં વિષ્ણુના તમામ અવતારો બિરાજશે. ભગવાનના તમામ 10 અવતાર તમને અહીં જોવા મળશે. મંદિરમાં 10 ગર્ભગૃહ હશે. એક જ ભગવાનના તમામ સ્વરૂપોના દર્શન કરી શકશો. સંતોના આશીર્વાદથી આગળ પણ કામ થતું રહેશે.