વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ વહેતી મૂકી : મોદીને સાંભળવા રેલીમાં હજ્જારો લોકો રાજ્યભરમાંથી આવ્યા
- ઇટ ઇઝ મોદી મેજિક : નિરીક્ષકોએ કહ્યું
- IIT અને IIM કેમ્પસ રચવા વડાપ્રધાને વચન આપ્યું : રેલી સમયે પૂર્વ નાયબ મુ.મં. અને PDP નેતા, મુઝફરહુસૈન બેગ પણ ઉપસ્થિત રહ્યા
જમ્મુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે જમ્મુ અને કાશ્મીરનાં શિયાળુ પાટનગર જમ્મુ પહોંચ્યા હતા, અને શિક્ષણ, રેલવે, વિમાન સેવા તથા માર્ગ રચના ક્ષેત્રની રૂ. ૩૨,૦૦૦ કરોડ જેટલી પરિયોજનાઓ તરતી મુકી હતી.
અસામાન્ય સલામતી વ્યવસ્થા વચ્ચે, વડાપ્રધાન અહીંના વિમાનગૃહે આવી પહોંચ્યા ત્યારે ઉપરાજ્યપાલ મનોજ સિંહા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તેમજ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ રવીન્દ્ર રૈના, તેમજ રાજ્યના ડીજીપી આર.આર. સ્વેઈન વિમાન ગૃહે તેઓને સત્કારવા ઉપસ્થિત હતા.
આ પછી વડાપ્રધાન તુર્ત જ રેલીને સંબોધવા અહીંના મૌલાના આઝાદ સ્ટેડીયમે પહોંચી ગયા હતા.
વડાપ્રધાનનાં કાર્યાલયે પ્રસિધ્ધ કરેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાને રાજ્ય વહીવટી તંત્રમાં નવા ભર્તી થયેલા ૧,૫૦૦ જેટલા કર્મચારીને નિયુક્ત પત્રો વહેંચ્યાં હતાં તેમજ વિકસિત ભારત, વિકસિત જમ્મુ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
જમ્મુ પહોંચતાં પૂર્વે સોમવારે સાંજે વડાપ્રધાન મોદીએ તેઓના X હેન્ડલ પર લખ્યું : 'આવતી કાલે હું જમ્મુની મુલાકાતે જવાનો છું ત્યારે હું જમ્મુના વિકાસ માટે ભારે મોટી પુષ્ટિ રજૂ કરવાનો છું જેથી જનતાનાં જીવનમાં વધુ સરળતા રહે. તે દિવસ (તા. ૨૦મીનો દિવસ) શિક્ષણ ક્ષેત્રે પણ ભારે પરિવર્તનકારી બની રહેવાનો છે. હું IIT, અને IIM નાં કેમ્પસની રચના સાથે શિક્ષણ ક્ષેત્રની બહુવિધ પરિયોજનાઓ પણ જાહેર કરવાનો છું.'
આજે સવારે વડાપ્રધાનની રેલીમાં રાજ્યભરમાંથી હજ્જારો લોકો તેઓને સાંભળવા આવ્યા હતા. તેથી મૌલાના આઝાદ સ્ટેડીયમ ચિક્કાર ભરાઈ ગયું હતું. આ રેલીમાં, રાજ્યના પૂર્વનાયબ મુ.મં. અને પીડીપીના તેના મુઝફ્ફર હુસૈન બેગ પણ મોદીની સાથે સભા મંચ ઉપર ઉપસ્થિત હતા.
આજે આકાશ વાદળે ઘેર્યું હતું પરંતુ રેલી સમયે જરા પણ વર્ષા થઇ ન હતી. તેથી લોકો મોદીને શાંતિથી સાંભળી શક્યા હતા. કેટલાક નિરીક્ષકોએ કહ્યું ઇટ ઇઝ મોદી મેજિક.