'તેમના યોગદાનને લોકો યાદ કરશે...' રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહના કર્યા વખાણ
રાજ્યસભામાં 56 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે તેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ સામેલ
image : Twitter |
Pm Modi Praised Manmohan singh | વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે.
56 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થશે
ખરેખર તો રાજ્યસભામાં જે 56 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે તેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ સામેલ છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હું ડૉ. મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માગુ છું. 6 વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે. વૈચારિક મતભેદ, ડિબેટમાં આક્ષેપબાજી એ થોડાક સમય માટે હોય છે. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે.
વ્હિલચેર પર આવ્યા અને માર્ગદર્શન કર્યું
ડૉ. મનમોહનની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે ડૉ. મનમોહન સિંહે ગૃહનું અનેકવાર માર્ગદર્શન કર્યું. જ્યારે સાંસદોના યોગદાનની વાત થશે તો મનમોહન સિંહની જરૂરથી ચર્ચા થશે. તે વ્હિલચર પર આવ્યા અને એક સમયે વોટ આપ્યો એ પણ લોકતંત્રને તાકાત આપવા... ખાસ કરીને તેમના માટે પ્રાર્થના છે કે અમારું માર્ગદર્શન કરતાં રહે.
નિવૃત્ત થનારા સાંસદો વિશે શું બોલ્યાં પીએમ મોદી
સેવાનિવૃત્ત થનારા સભ્યોને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે જે માનનીય સાંસદો જઇ રહ્યા છે તેમને જૂના અને નવા સંસદ ભવનમાં હાજર રહેવાની તક મળી. આ બધા સાથી આઝાદીના અમૃતકાળના નેતૃત્વના સાક્ષી બનીને જઇ રહ્યા છે.