PM મોદી સરમુખત્યાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે : મલ્લિકાર્જુન ખડગે
- આરએસએસ અને ભાજપ બંધારણની અવગણના કરતાં હોવાનો વિપક્ષના નેતાનો આરોપ
- રાષ્ટ્રધ્વજ, અશોક ચક્ર અને બંધારણને નફરત કરનારા આજે અમને શિક્ષણ આપી રહ્યા છે
રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને ચેતવણી આપી હતી કે કોઈપણ રાજકીય આગેવાન તરફનો ટીકાવિહીન ભક્તિભાવ સરમુખત્યારશાહી તરફ દોરી જાય છે. ધર્મમાં ભક્તિ આત્માનો મોક્ષ કરે છે, પરંતુ રાજકારણમાં તે સરમુખત્યારશાહી તરફ દોરી જાય છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે પીએમ મોદી સરમુખત્યાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.તમે બધા ભક્તિના ઢંઢેરા પીટીને દેશને સરમુખત્યારશાહી તરફ ધકેલી શકો છો. જો પીએમ મોદી સરમુખત્યાર બનવા તૈયાર હોય તો હું જણાવું છું કે લોકશાહી સરમુખત્યારશાહીની છાયામાં વિકસી ન શકે. બંધારણમાં જે પણ માનતા હોય તેમણે તેના સિદ્ધાંતોનું પાલન કરવું જ રહ્યું.
તેમણે ભાજપની સરકાર પર બંધારણની અવગણના કરવાનો આક્ષેપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે શાસક પક્ષ અનામતની પ્રણાલિનો ભંગ કરવા માંગે છે. ભાજપ પ્રારંભથી જ આંબેડકરને સન્માન આપતો નથી. તેમણે બંધારણી ચર્ચાના રેકોર્ડને ટાંકીને જણાવ્યું હતું કે આરએસએસના નેતાઓ બંધારણના વિરોધમાં હતા. આ ઉપરાંત જાતિ આધારિત સેન્સસનો વિરોધ કરવા બદલ ખડગેએ ભાજપની ટીકા કરી હતી.
તેમણે દેશને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ જવા બદલ પીએમ મોદી પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અમને શીખવી રહ્યા છે આપણે ખોટું કેવી રીતે બોલવું, આપણા વડાપ્રધાન ખોટું બોલવામાં નંબર વન છે. તેમણે જણાવ્યું હતું કે ૧૫ લાખ રૂપિયા આવશે, ક્યાં આવ્યા. તે એક પછી એક જૂઠ બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે ગૃહપ્રધાન અમિત શાહ પર ભાજપને રાજકારણીઓ માટે વોશિંગ મશીન બનાવી દેવાનો આરોપ મૂક્યો હતો. શંકાસ્પદ રેકોર્ડ ધરાવતા બધા જ રાજકારણીઓ ભાજપમાં જતાં સ્વચ્છ થઈ જાય છે.